એક માસમાં કેશોદ એરપોર્ટ શરૂ

  • એક માસમાં કેશોદ એરપોર્ટ શરૂ

15 નવેમ્બરથી અમદાવાદ-કેશોદ ફ્લાઇટ શરૂ થશે
રાજકોટ તા.12
આ શિયાળામાં સોમનાથ મહાદેવના દર્શન કરવા હોય કે એશિયાટિક સિંહોના ઘર ગીર જવું હોય હવે પહેલા જેટલો સમય મુસાફરીમાં નહીં જાય 18 વર્ષ બાદ જૂનાગઢ જિલ્લાનું કેશોદ એરપોર્ટ ધમધમતું થશે. હૈદરાબાદની નાનકડી ફ્લાઇટ બ્રાંડ ટર્બો મેગા એરવેઝ (ત્રુજેટ) કોમર્શિયલ ફ્લાઇટ શરુ કરવાની છે. જૂનાગઢના છેલ્લા નવાબ મોહબ્બતખાનજી ત્રીજાએ પોતાના અંગત વપરાશ માટે કેશોદ એરપોર્ટ શરૂ કર્યું હતું. આ એરપોર્ટ પરથી માત્ર જેટ એરવેઝનું 42 સીટ્ર એરક્રાફ્ટ મુંબઇ સુધી સેવા આપતું હતું, પરંતુ જેટ એરવેઝે વર્ષ 2000માં આ સર્વિસ બંધ કરી દીધી હતી.
કેશોદ એરપોર્ટના ડિરેક્ટર એસ.કે.સરણે જણાવ્યું કે, "15 નવેમ્બરથી ત્રુજેટ કેશોદથી અમદાવાદ વચ્ચે ફ્લાઇટ શરુ કરવાની છે. અમે રિજનલ કનેક્ટિવિટી સ્કીમ આરસીએસ અંતર્ગત એરપોર્ટ પર સેવાઓ શરૂ કરી છે. ઓપરેટર 72 સીટર એરક્રાફ્ટ શરુ કરવાનો વિચાર કરી રહ્યાં છે. ગુજરાત બહારથી આવતા પ્રવાસીઓ અમદાવાદથી ગીરની 8 કલાકની રોડ મુસાફરી ટાળવા માટે રાજકોટ કે દીવ સુધીની ફ્લાઇટમાં આવે છે. એસ.કે. સરણે કહ્યું કે, "એક અઠવાડિયામાં ડિરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન ડીજીસીએ તરફથી કોમર્શિયલ ફ્લાઇટને ઉડાણ માટે મંજૂરી મળી જશે. 14 ઓક્ટોબરે બ્યૂરો ઓફ સિવિલ એવિએશન સિક્યોરિટી બીસીએએસ અન્ય એજન્સીઓ સાથે એરપોર્ટની સુરક્ષાનું નિરિક્ષણ કરવા માટે આવશે. યુ.એસ.માં થયેલ
9/11ના હુમલા પછી કેશોદ એરપોર્ટ પર પણ નવા સુરક્ષા નિયમો લાગુ કરવામાં આવ્યા. વિજિટર રૂમ એરિયા બમણા કરાયા છે અને અરાઇવલ તેમજ ડિપાર્ચર વિંગ અલગ કરી દેવામાં આવ્યા છે.