મતનો ‘વીમો’ પકવવા રૂપાણી સરકારની ખેતીOctober 12, 2018

રાજકોટ તા.12
વરસાદ, પાણી અને ખેડૂતોના ઢગલાબંધ પ્રશ્નોમાં ચોતરફ ઘેરાયેલ રાજ્ય સરકાર માટે આગામી લોકસભા ચૂંટણી કપરી સાબીત થઇ રહી છે. આ વીડંબણામાંથી રાજ્ય સરકાર બહાર નીકળવાનો પ્રયાસ કરે તે પૂર્વે જ રાજ્યમાં પરપ્રાંતિયો ઉપર થયેલા હુમલાથી દેશભરમાં ગુજરાત સરકારની છબી ખરડાઇ છે ત્યારે હવે ખેડૂતોને રાજી કરવા માટે રાજ્ય સરકારે કવાયત હાથ ધરી દીધી છે. ખેડૂતોને ચાલુ વર્ષે તત્કાલ પાક વીમો મળે તે માટે સરકારે તાબડતોબ અધિકારીઓ પાસેથી પાણીપત્રક અને આનાવારીનો રીપોર્ટ માગ્યો છે.
સતાવાર સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત મુજબ ઓણસાલ રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં અપુરતો વરસાદ પડયો છે. મોરબી, સુરેન્દ્રનગર, દ્વારકા, જામનગર, કચ્છ જીલ્લામાં તો નહીંવત વરસાદના કારણે અત્યારથી જ પીવાના પાણીની હાડમારી થઇ ચુકી છે ત્યારે ખેડૂતોને તાત્કાલીક પાક વીમો મળે તે માટે રાજ્ય સરકાર તરફથી અત્યારથી જ તૈયારી શરૂ કરી દેવામાં આવી છે.
વર્ષ ર017-18નું પાણીપત્રક એક સપ્તાહમાં જ તૈયાર કરવાની સુચના રાજ્ય સરકાર દ્વારા સંબંધિત અધિકારીઓને આપવામાં આવતા તમામ પ્રાંત અધિકારી, મામલતદાર અને ટીડીઓએ આ માટે તલાટી મંત્રીઓને કામે લગાડયા છે. પાણીપત્રકના આધારે જે-તે તાલુકામાં આનાવારીનો રીપોર્ટ મામલતદાર દ્વારા તૈયાર કરવામાં આવશે. આજથી જ તલાટી મંત્રીઓને પાણીપત્રક બનાવવાની સુચના આપવામાં આવી છે અને આ રીપોર્ટ સોમવાર સુધીમાં મામલતદાર અને પ્રાંત અધિકારીને સોપવા આદેશ આપવામાં આવ્યો છે. મામલતદાર દ્વારા પાણીપત્રકના આધારે તાલુકાનો આનાવારીનો રીપોર્ટ બનાવશે. જે રીપોર્ટ કલેકટરને સોપાયા બાદ રાજ્ય સરકાર દ્વારા પાકવીમાની જાહેરાત કરવામાં આવનાર છે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યના ખેડૂતો વર્તમાન સરકારથી ભારે નારાજ છે. કારણ કે ગત વર્ષનો પણ પાકવીમો ઘણાખરા વિસ્તારોમાં મળ્યો નથી એટલું જ નહીં અમુક વિસ્તારોમાં માત્ર 10 થી ર0% જેવો જ પાકવીમો મંજુર કરવામાં આવ્યો છે તેના કારણે ખેડૂતોમાં ભારે રોષની લાગણી જન્મી છે. આગામી લોકસભાની ચૂંટણી નજીકના સમયગાળામાં છે ત્યારે રાજ્ય સરકારે ખેડૂતોના મત માટે પાણી પહેલા પાળ બાંધવાનું શરૂ કરી દીધું છે. મત માટે રૂપાણી સરકારે અધિકારીઓ પાસેથી એક સપ્તાહમાં જ પાણીપત્રક અને આનાવારીનો રીપોર્ટ માંગી ખેડૂતોને રાજી કરવાની કવાયત હાથ ધરી છે.
જે તે તલાટીમંત્રી દ્વારા ગામમાં થયેલું વાવેતર અને કયો પાક ઉભો છે તેનો સચોટ રીપોર્ટ તાત્કાલીક ટીડીઓ અને મામલતદારને આપવાના આદેશ કરવામાં આવતા આજથી જ તલાટીઓએ પોતાના વિસ્તારમાં સર્વે શરૂ કરી દીધો છે. બીજી બાજુ અમુક ગામડાઓમાં નહીંવત વરસાદ પડયો હોવાના કારણે પીવાના પાણીની પણ હાડમારી શરૂ થઇ છે ત્યારે આ વિસ્તારમાં પાકવીમો કેટલો મંજુર થાય છે તે પણ જોવાનું રહ્યું છે. કોંગ્રેસ દ્વારા ખેડૂતોના પ્રશ્ને આંદોલન અને રેલીના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે ત્યારે લોકસભાની ચૂંટણીમાં વર્તમાન સરકાર વિરૂધ્ધ માહોલ બની રહ્યો છે. લોકસભાની ચુંટણીમાં ભાજપ સરકારને નુકસાની સહન કરવી ન પડે તે માટે રાજ્ય સરકાર દ્વારા અત્યારથી જ ખેડૂતોને રાજી કરવા માટેની કવાયત આરંભી દેવામાં આવી છે.

 
 
 

Related News