કહેવાતા સંતને થયો કાયદાનો સાક્ષાત્કાર । તંત્રી લેખOctober 12, 2018

ભારતમાં ધર્મના નામે દુકાન ખોલીને બેસી ગયેલા બાવાઓ વરસોનાં વરસો લગી ધૂપ્પલ ચલાવ્યા કરે છે પણ કોઈ તેમનું કશું ઉખાડી શકતું નથી. આ માહોલમાં આ રીતે ધૂપ્પલ ચલાવનારા કોઈ બાવાને તેનાં કુકર્મોની સજા મળે ત્યારે ખરેખર આનંદ થાય. રામપાલ નામના બાવાને હરિયાણાની હિસાર કોર્ટે સજા ફટકારી ત્યારે આવી જ લાગણી થઈ. રામપાલ હરિયાણાનું છાપેલું કાટલું છે ને હિસારની કોર્ટે તેને હત્યાના બે કેસમાં ફિટ કરી દીધો છે. રામપાલ અને તેના 28 ચેલકાઓને હત્યાના બે કેસમાં એડિશનલ સેશન્સ કોર્ટે દોષિત ઠેરવ્યા છે. રામપાલ અને તેના ચેલકાઓને સજાનું એલાન 16 ને 17 તારીખે થશે પણ આ બધા જે કલમો હેઠળ દોષિત ઠર્યા છે એ જોતાં આજીવન કારાવાસથી ઓછી સજા થાય એવું લાગતું નથી એ જોતાં બધા લાંબા જવાના એ નક્કી છે.
ભાજપના મનોહરલાલ ખટ્ટર ત્યારે તાજા તાજા મુખ્યમંત્રી બનેલા એટલે રાજાપાઠમાં હતા. તેમણે પોલીસને ફરમાન કર્યું કે ગમે તે સંજોગોમાં રામપાલને અંદર કરો. વચ્ચે જે પડે તેમને મારી મારીને ઢેકા ભાંગી નાંખો. રામપાલના ગુંડા મશીનગનો ને બીજાં હથિયારો લઈને બેઠેલા પણ ખટ્ટરના ફરમાનના પગલે તેમને પણ શૂરાતન ચડી ગયું. બે હજાર પોલીસોનું ધાડું હિસારમાં ઊતરી પડ્યું ને રામપાલના આશ્રમને ઘેરો ઘાલીને પહેલાં પાણી તથા બીજો પુરવઠો બંધ કરી નાંખ્યો. એ છતાં દસ દાડા લગી રામપાલના પઠ્ઠાઓએ ઝીંક ઝીલી ને પોલીસને ના ઘૂસવા દીધી. દસ દાડા પછી અંદર ખાવાનું ને પાણી ખતમ થયાં એટલે વિકેટો પડવા માંડી. જીવ પર આવી ગયેલાં લોકો ગમે તેમ કરીને છટકવા માંડ્યાં ને આશ્રમ છોડીને ભાગવા માંડ્યાં.
રામપાલના ગુંડાઓ પણ ખાધાપીધા વિના ઢીલાઢફ થઈ ગયેલા તેનો ફાયદો ઉઠાવીને પોલીસ આશ્રમમાં ઘૂસી ગઈ. સામે થયેલા રામપાલના પઠ્ઠા ને ગુંડાઓની પોલીસે બેફામ ધોલાઈ કરી. દસેક હજાર પઠ્ઠા રામપાલને બચાવવા પોલીસ આડે ઊભા રહી ગયેલા. પોલીસ તેમને બેફામ ફટકાર્યા ને રામપાલને કાંઠલો ઝાલીને બહાર લાવીને કોર્ટમાં હાજર કર્યા ને પછી અંદર કરી નાંખેલા. રામપાલ ત્યારથી જેલની હવા ખાય છે. તેમની સામે પોલીસે સરકારી કામમાં રૂકાવટ ઊભી કરવાનો ને મહિલાઓને આશ્રમમાં બંદી બનાવીને રાખવાના કેસ કરેલા. રામપાલના સતલોક આશ્રમમાં જેમને ગોંધી રખાયેલાં તેમાંથી ચાર મહિલા ને એક 18 મહિનાની છોકરી ગુજરી ગયેલી. પોલીસે રામપાલ તથા તેમના ચેલકાઓ સામે તેમને ગેરકાયદે રીતે ગોંધી રાખવાનો ને હત્યા કરવાનો કેસ ઠોકી દીધેલો. પાછળથી બીજી એક મહિલાની લાશ પણ મળતાં હત્યાનો બીજો કેસ નોંધાયેલો. અત્યારે જે ચુકાદા આવ્યા છે એ આ બે હત્યાના કેસના છે.
જોકે રામપાલના ઈશારે તેના ગુંડાઓએ દસ દાડા લગી કાયદાની ઐસીતૈસી કરીને કાળો કેર વર્તાવ્યો એ કેસોમાં તેમને છોડી મુકાયેલા. રામપાલના સતલોક આશ્રમમાં જે કંઈ થયું એ ટીવી ચેનલો પર લાઈવ બતાવાયેલું ને આખી દુનિયાએ રામપાલના પઠ્ઠા કેવી ગુંડાગીરી કરે છે તે નજરે જોયેલું. રામપાલના પઠ્ઠા પેટ્રોલ બોમ્બ ફેંકતા હતા ને મશીનગનોમાંથી ગોળીઓ છોડતા એ ટીવી ચેનલો પર લાઈવ બતાવાયેલું. આશ્રમમાંથી મહિલાઓને છોડાવાઈ એ આખી દુનિયાએ જોયેલું ને એ મહિલાઓએ પોતાની આપવીતી લોકો સામે વર્ણવેલી. લોકોએ બહાર આવીને રામપાલના પઠ્ઠા પોતાને કઈ રીતે ગોંધી રાખીને કનડતા હતા તે રડતી આંખે કહેલું. દસ હજાર લોકોને ખાધા-પીધા વિના દસેક દાડા લગી ગોંધી રખાયેલા. હિસારનો આ તાયફો પૂરા પંદર દાડા ચાલેલો ને પોલીસ આશ્રમમાં ઘૂસી પછી રામપાલની લીલા આખી દુનિયા સામે ઉઘાડી પડી ગયેલી.
રામપાલના આશ્રમમાં પોલીસ ઘૂસી ત્યારે અંદર ચાર મહિલાઓની લાશો રઝળતી હતી. પોતાને બાબા ગણાવનારા રામપાલે આ મહિલાઓની લાશોના અંતિમસંસ્કાર કરાવવાની તસદી સુધ્ધાં નહોતી લીધી. બીજી એક નાની છોકરી ને મહિલા હોસ્પિટલમાં ગુજરી ગયાં. રામપાલે કાયદાને ઘોળીને પી જવા કોશિશ કરી તેના કારણે છ લોકોએ જીવ ખોયેલા ને કેટલાંના ટાંટિયા ને હાથ-પગ તૂટ્યા તેનો તો હિસાબ જ નથી. આ મહિલાઓની હત્યા માટે રામપાલ ને તેના ચેલકાઓ જવાબદાર હતા છતાં હિસારની કોર્ટે તેમને નિર્દોષ છોડી મૂકેલા. તેના કારણે રામપાલને કંઈ થશે કે કેમ તેમાં શંકા હતી પણ હત્યાના બે કેસમાં હિસારની કોર્ટે જ તેને દોષી ઠેરવી દેતાં હાશકારો થયો છે. હિસારની કોર્ટે પોતાની ભૂલ સુધારીને સારું કર્યું છે. આ ચુકાદા દ્વારા રામપાલ નજીકના ભવિષ્યમાં બહાર નહીં આવે તેવો પાકો બંદોબસ્ત કરી દેવાયો છે. રામપાલ જેવા લોકોની અસલી જગા જેલ જ છે એ જોતાં આ ચુકાદો બરાબર પણ છે. જે માણસ આ દેશના કાયદા ને કોર્ટને ગણકારતો નહોતો એ માણસને બહાર આવવાનો હક જ નથી. રામપાલને સજા કરીને એ રીતે કોર્ટે સાચા અર્થમાં ન્યાય કર્યો છે. આશા રાખીએ કે, રામપાલ જેવા બીજા નમૂનાઓના પણ આ જ હાલ થાય.