થાનના વેલાળા ગામની સરકારી જમીનમાંથી કાર્બોસેલની ચોરી

 35 ટન કાર્બોસેલ, મશીન, ચરખી સહિત
8 લાખનો મુદ્દામાલ જપ્ત
સુરેન્દ્રનગર તા,12
સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ભુમાફીયાઓ દ્વારા ગેરકાયદેસર ખનીજ ચોરીના બનાવો વધી રહ્યાં છે ત્યારે જિલ્લામાં વધતી જતી ખનીજ ચોરીને ડામવા જિલ્લા પોલીસ વડા મનિંદર પ્રતાપસિંહ પવાર અને જિલ્લા કલેકટર કે.રાજેશની સુચનાને આધારે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ, રેવન્યુ અધિકારીઓ તથા પોલીસ અધિકારીઓની સંયુક્ત ટીમ દ્વારા લીંબડી તત્કાલીન ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ થાન પંથકમાં પેટ્રોલીંગ હાથધર્યું હતું.
જે દરમ્યાન બાતમીના આધારે એસઓજી પીઆઈ એસ.બી.સોલંકી, પીએસઆઈ એચ.એમ.રાણા સહિત સ્ટાફના રણજીતસિંહ પરમાર, દાજીરાજસિંહ, દાદુભાઈ, ધનશ્યામભાઈ, યોગેન્દ્રસિંહ, હસુભાઈ, ડાયાલાલ, મહિપતસિંહ, સંજયસિંહ, હરદેવસિંહ, મહિપાલસિંહ, પ્રિયંકાબેન અને ખાણ ખનીજ વિભાગનાં કિરણભાઈ પરમાર, વિજયભાઈ સુમેરા સહિતનાઓએ વેલાળા ગામની સીમમાં સરકારી ખરાબાની જમીનમાં ગેરકાયદેસર કાર્બોસેલની ચોરી અંગે રેઈડ કરી હતી. જેમાં કાર્બોસેલનું ખનન કરવા માટેનું મશીન, ચરખી નંગ-11, બાઈક નંગ-2, 35 ટન કાર્બોસેલ મળી અંદાજે રૂા. 7 થી 8 લાખનો મુદ્દામાલ ઝડપી પાડયો હતો. જયારે આરોપીઓ નાસી છુટવામાં સફળ રહ્યાં હતાં. આ બનાવ અંગે થાન પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી હતી.