સાવજોનું વેકેશન પુરું થવા પર: 16મીથી ગીર અભયારણ્ય ખૂલશે

 સાસણ ટૂરીઝમના નિયત કરાયેલા રૂટ પર પ્રવાસીઓ ફરી શકશે
જૂનાગઢ તા.12
આગામી 16 ઓક્ટોબરથી ફરી એક વખત ડાલામથા ગીરના સવાજના દર્શન માટે ગીર અભિયારણમાં પ્રવાસીઓને જવા માટેની પરવાનગી મળશે જેના કારણે સાસણ તથા ગીર વિસ્તારમાં પ્રવાસીઓનો વધારો નોંધાશે. ચોમાસાના દિવસોમાં સિહોનો સંવનન પિરિયડ હોવાથી વન વિભાગ અને સરકાર દ્વારા સિંહોને કોઈ ખલેલ ન પહોંચે તે માટે ગીર અભિયારણમાં કાયદેસરનું સિંહ દર્શન બન્ધ કરી વેકેશન જાહેર કરવામાં આવે છે. આ વેકેશન પિરિયડ પૂર્ણ થતાં આગામી 16 ઓક્ટોબરથી ગીર અભિયારણમાં પ્રવાસીઓ માટે સિંહ દર્શન ખુલ્લું મુકાશે.આ અંગે નાયબ વન સંરક્ષક મોહન રામની એક અખબારી યાદીમાં જણાવાયુ છે કે, પ્રતિ વર્ષની માફક વન્યપ્રાણી (સંરક્ષણ) અધિનિયમ 1972 તેમજ સદર કાયદા નીચે બનાવેલ નિયમો પ્રમાણે ગીર વન્યપ્રાણી અભયારણ્ય ચોમાસાની ઋતુ પુરી થયેલ હોય બધા જ પ્રકારનાં પ્રવાસીઓ માટે સાસણ ટુરીઝમ ઝોનમાં નિયત કરેલ રૂટ ઉપર સરકારનાં પ્રવર્તમાન નિયમ પ્રમાણે તા. 16 ઓક્ટોબર-2018થી ખુલ્લુ મુકવામાં આવશે.