કોંગ્રેસના નગર સેવિકાનો પ્રશ્ર્ન નહીં લેવાતા બઘડાટી

 સેક્રેટરી સમક્ષ ઉગ્ર રજૂઆત, સેક્રેટરીએ હાથ ઉંચા કરી દીધા બાદ પ્રશ્ર્નનો શરતી સ્વીકાર
રાજકોટ તા. 12
રાજકોટ મહાનગરપાલીકાના આગામી તા.20ના જનરલ બોર્ડમાં પ્રશ્ર્નો મુકવા માટે આજનો દિવસ ફાળવવામાં આવેલ જેમાં કોંગી કોર્પોરેટર ધમિષ્ઠાબા જાડેજા દ્વારા મુકવામાં આવેલ પ્રશ્ર્નોની સેક્રેટરી દ્વારા ના પાડવામાં આવતા મામલો ગરમાયો હતો તે સમયે ભાજપ કોર્પોરેટર કશ્યપ શુકલ દ્વારા અસોભનીય શબ્દનો પ્રયોગ થયાનો આક્ષેપ કરી કોંગી નગર સેવકોએ સેક્રેટરી ચેમ્બરમાં બઘડાટી બોલાવતા એક સમયે હાથાપાઈ થઈ જવાની સંભાવનાએ તાત્કાલીક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો ત્યાર બાદ ઉગ્ર રજૂઆતના પગલે કોંગી કોર્પોરેટરના પ્રશ્ર્નોનો સેક્રેટરીએ શરતી સ્વીકાર કર્યો હતો.
રાજકોટ મનપાનું આગામી 20 ના રોજ જનરલ બોર્ડ મળનાર છે ભાજપ અને કોંગ્રેસના નગર સેવકો દ્વારા પ્રશ્ર્નો મુકવામાં આવે છે જેના માટે આજનો દિવસ ફાળવવામાં આવ્યો હતો. સવારે 10 વાગ્યાથી ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરો પ્રશ્ર્નોતરીમાં પ્રશ્ર્નો મુકવા માટે સેક્રેટરી વિભાગમાં હાજર થયા હતા તે દરમિયાન વોર્ડ નં. 18 ના કોર્પોરેટર ધર્મિષ્ઠાબા જાડેજાએ પોતાનો પ્રશ્ર્ન લેખીતમાં રજૂ કરતાં સેક્રેટરીએ કમિશ્ર્નરનો હુકમ હોવાથી પ્રશ્ર્નોતરી નહીં મુકી શકાય તેમ જણાવતા ત્યાં હાજર કોંગી નગર સેવકોએ વિરોધ નોંધાવી બીપીએમસી એકટની કલમ મુજબ ધર્મિષ્ઠાબા જાડેજાને ગેરલાયક ઠેરવવામાં આવ્યા નથી. ફકત મ્યુ.કમિશ્ર્નરે રજૂઆત કરી છે અને હાલ કોર્ટમાં કાર્યવાહી ચાલુ છે તેથી કોર્પોરેટર પદ રદ થયુ નથી અને પ્રશ્ર્નોતરી કરવાની સતા મળે છે તેમ જણાવ્યુ હતું.
સેક્રેટરી ચેમ્બરમાં કોંગી કોર્પોરેટરે પ્રશ્ર્ન બાબતે વિરોધ કરતા ત્યાં હાજર રહેલ ભાજપના કોર્પોરેટરે અશબ્દ બોલ્યાની ચર્ચા પણ થઈ હતી અને તેનો વિરોધ પણ થયો હતો. કોંગી કોર્પોરેટર ધર્મિષ્ઠાબા જાડેજા અને જાગૃતિબેન ડાંગરે પ્રશ્ર્ન લેવા બાબતે સેક્રેટરી સાથે ઉગ્ર બોલાચાલી કરતા વાતાવરણ તંગ બની ગયુ હતુ ત્યારે ઘટના સ્થળે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
ભાજપના કોર્પોરેટરે મામલો થાળે પાડી શરતી પ્રશ્ર્નનો સ્વીકાર કરવાનું કહેતા અંતે સેક્રેટરીએ પ્રશ્ર્નનો સ્વીકાર કર્યો હતો. આમ આજે ગેરલાયકની દરખાસ્ત કરવામાં આવેલ છે તેવા વોર્ડ નં.18ના કોંગી કોર્પોરેટર ધર્મિષ્ઠાબા જાડેજાએ જનરલ બોર્ડમાં પ્રશ્ર્ન મુકવા બાબતે માથાકુટ થતા કોર્પોરેશનમાં ચર્ચાઓ જોર પકડયુ હતું.