કોંગ્રેસ હવે સરકારને પાડશે ઓનલાઈન ‘ઉઘાડી’!October 12, 2018

રાજકોટ તા.12
લોકોના પ્રશ્ર્નો માટે સેડો મિનીસ્ટ્રીની જાહેરાત બાદ મીનીસ્ટ્રી માટે અંદરો અંદર ફાટફૂટ થતા સેડો મીનીસ્ટ્રી પડતી મુકવામાં આવી છે અને હવે લોકોના પ્રશ્ર્નો માટે કોંગ્રેસ લોક સરકાર નામની એપ લોન્ચ કરી છે.
ગુજરાતમાં ભાજપના ર3 વર્ષના શાસનથી પ્રજા ત્રાહિમામ પોકારી ઊઠી છે. સામાન્ય લોકો પાસે સરકારના જુદા-જુદા વિભાગોની ફરિયાદ ક્યાં કરવી ? કે કયા વિભાગને રજૂઆત કે ફરિયાદ કરવી તેની કોઈ જાણકારી હોતી નથી આથી સરકારી માળખામાં લોક સમસ્યાને વાચા આપવા અને લોકોની રજૂઆતોને વિરોધ પક્ષના માધ્યમથી સરકાર સુધી પહોંચાડવા ‘લોક સરકાર’ રચવાની જાહેરાત કરી હતી તે માટે ‘લોક સરકાર એપ’ લોન્ચ કરવાની સાથે લોકસેવા કેન્દ્રનો પ્રારંભ કરેલ. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા રાજીવ ગાંધી ભવન અમદાવાદ ખાતે કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષ નેતા પરેશ ધાનાણીના હસ્તે ‘લોક સરકાર એપ’ લોન્ચ કરવામાં આવી હતી.
વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ આજથી ચારેક માસ અગાઉ રાજ્યમાં લોકસરકાર રચવાની જાહેરાત કરી હતી.પરેશ ધાનાણીએ લોક સરકાર અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, લોક સરકાર એટલે લોકો વતી, લોકો માટે ચાલતી લોકશાહી સરકાર. લોક સરકારનો ઉદ્દેશ લોક સમસ્યાને સરકારના કાન સુધી પહોંચાડવા, લોક વેદનાને વાચા આપવા લોકો પ્રત્યે સરકારની જવાબદારી નક્કી કરવા, સરકારની નિષ્ફળતાને ઉજાગર કરવા, સરકારી યોજના સરળતાથી લોકો સુધી પક્ષાપક્ષીથી ઉપર ઉઠીને પહોંચાડવાનો છે.આ સરકારમાં લોકશાહીનો મૂળ આધાર એવા લોકોની સદંતર અવગણના થઈ રહી છે. ‘લોક સરકાર’નો ઉદ્દેશ લોકશાહી પરંપરાને વધુ મજબુત બનાવી સમાજને સશક્ત બનાવવાનો છે. સરકાર પ્રજાના પ્રશ્નો બાબતે અસંવેદનશીલ બની ગઈ છે. પ્રજાનો અવાજ બુલંદ થવાને બદલે દબાવાઈ રહ્યો છે. લોકો જેમ તેમ કરીને સરકારી તંત્રમાં પોતાની ફરિયાદ દાખલ કરવામાં સફળ થાય તો પણ આ ફરિયાદનું શું થયું અને ફરિયાદનો નિકાલ કેટલા સમયમાં થશે તેની કોઈ જાણકારી નથી. આ પરિસ્થિતિમાં હાલના સરકારી માળખામાં લોક સમસ્યાને વાચા આપવા અને લોકોની રજૂઆતોને સરકાર સુધી વિરોધ પક્ષના નેતા ‘લોક સરકાર’ના માધ્યમથી પહોંચાડશે. આ ઉપરાંત લોક સમસ્યાના ઉકેલ માટે સરકાર પર દબાણ ઉભું કરવામાં આવશે. તેમજ લોકોના પ્રશનોનું ઝડપી નિરાકરણ લાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવશે. સરકારના માધ્યમથી લોક સમસ્યાને વાચા આપીને તેના ઉકેલની દિશામાં પ્રયત્નો કરવામાં આવશે. જો કે આ પ્રયત્નો દ્વારા પણ સરકારની કામગીરીમાં અને લોક સમસ્યાના સમાધાનમાં કોઈ હકારાત્મક પ્રતિભાવ નહીં મળે અને રાજ્યની આંધળી અને બહેરી સરકાર પોતાની નિંદ્રામાંથી નહીં જાગે તો સરકાર વિરુદ્ધ જલદ આંદોલન પણ કરવામાં આવશે. લોક પ્રશ્નોને વાચા આપવા માટે લોક સરકાર રાજ્ય સરકાર સાથે બાથ ભીડશે અને ઝડપથી લોક પ્રશનોના ઉકેલ માટે કાર્યરત રહેશે.