ટ્રક પાછળ એસ.ટી. બસ ઘુસી જતા ડ્રાઈવર સહિત બેનાં મોતOctober 12, 2018

 કંડકટર સહિત છ મુસાફરોને ગંભીર ઈજા
રાજકોટ તા. 12
રાજકોટ અમદાવાદ ધોરી માર્ગ જાણે ગોજારો બન્યો હોય તેમ અવાર નવાર જીવલેણ અકસ્માતો સર્જાયા હોવાના બનાવો બન્યા છે. ત્યારે વધુ એક બનાવમાં જાલોદથી જામનગર જતી એસટી બસ રાજકોટ નજીક આવેલા માલીયાસણ પાસે આગળ જતા ટ્રક પાછળ ઘૂસી જતા એસટી ડ્રાઈવર સહિત બેના મોત નિપજયા હતાં. જયારે કંડકટર સહિત છ મુસાફરોને ઈજા થતા સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ બનાવ અંગે જાણવા મળતી વિગત મુજબ જાલોદથી જામનગર જતી એસટી બસ રાજકોટની ભાગોળે આવેલા માલીયાસણ નજીક આગળ જતા ટ્રક પાછળ ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ખેડાના પીજ ગામના વતની અને એસટી
બસના ડ્રાઈવર નવીનચંદ્ર કનુભાઈ મકવાણા (ઉ.વ.51) અને પરિવાર સાથે મજુરી માટે જઈ રહેલા લીમખેડાના મજુર નરવતભાઈ વેસ્તાભાઈ તડવી ઉ.વ.40 ને ગંભીર ઈજા થતા બંન્નેને સારવાર મળે તે પહેલા જ ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત નિપજયા હતાં. જયારે કંડકટર હર્ષદભાઈ મણીભાઈ રોહીત ઉ.વ.46, રેશમ નવરતભાઈ તડવી ઉ.વ.30, દુલા નરવત તડવી ઉ.વ.14, જીગર નરવત તડવી ઉ.વ.14, દાદુસિંહ ચૌહાણ ઉ.વ.19 અને ઈલાબેન ધનજીભાઈ રાઠોડ ઉ.વ.45 ને ઈજા પહોંચતા સારવાર માટે રાજકોટ સીવીલ હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. આ બનાવ અંગે કુવાડવા પોલીસને જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. અકસ્માતની ઘટનાને પગલે લોકોના ટોળા ભેગા થઈ જતા ટ્રાફીક જામ થઈ ગયો હતો. પોલીસે ભારે જહેમત બાદ ટ્રાફીક કલીયર કરાવ્યો હતો.