જેકલીને ‘હાઉસફૂલ-4’ માટેની સાજીદની ઓફરને ઠુકરાવીOctober 12, 2018

મુંબઈ તા,12
કેટલાય લોકો બ્રેકઅપ બાદ કોશિશ કરે છે કે તેમની વચ્ચે મિત્રતા જળવાઇ રહે, પરંતુ બધા સાથે તેવું બનતું નથી. બોલિવૂડમાં આ વાતનું તાજું ઉદાહરણ જેકલીન ફર્નાન્ડીઝ અને નિર્દેશક સાજિદ ખાન છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સાજિદે પોતાની આગામી ફિલ્મ ‘હાઉસફુલ-4’માં જેકલીનને એક આઇટમ સોંગ ઓફર કર્યું, જે જેકલીને એ જ સમયે ઠુકરાવી દીધું.
એવું કહેવાય છે કે બંને વચ્ચે બે વર્ષ સુધી રોમેન્ટિક સંબંધ હતા. આ દરમિયાન તેમણે ‘હાઉસફુલ’ અને ‘હાઉસફુલ-2’માં એકસાથે કામ કર્યું અને ત્યારબાદ બંનેનું બ્રેકઅપ થઇ ગયું અને બંને પોતાના રસ્તે આગળ વધી ગયાં.
આટલાં વર્ષ બાદ હવે સાજિદે પોતાની ફિલ્મમાં જેકલીનને આઇટમ સોંગ ઓફર કર્યું, પરંતુ બ્રેકઅપ બાદથી બંને વચ્ચે ક્યારેય વાતચીત થઇ નથી. એવું કહેવાય છે કે જૂની વાતોને ભૂલીને આગળ વધવાનું વિચારતા સાજિદે આઇટમ સોંગનો પ્રસ્તાવ પોતાની પૂર્વ પ્રેમિકાને આપવા નિર્ણય લીધો.
તેને લાગતું હતું કે જેકલીન તેની આ ઓફરનો ઇનકાર નહીં કરે, કેમ કે ‘હાઉસફુલ’ સિરીઝની ફિલ્મો ખૂબ જ હિટ રહી છે અને નિર્માતા સાજિદ નડિયાદવાલાની આ ફિલ્મોથી જેકલીનને સ્ટારડમ મળ્યું છે, પરંતુ જેકલીને સાજિદનો પ્રસ્તાવ ઠુકરાવી દીધો. તે તેને મળવા પણ રાજી ન થઇ. સાજિદ જાણે છે કે જેકલીન કમાલની ડાન્સર છે. કદાચ તે બધું ભૂલી શકે અને તેની ખટાશ પણ ઓછી કરવા ઇચ્છતી હોય, પરંતુ તેવું ન થઇ શક્યું. હવે આ આઇટમ સોંગનો પ્રસ્તાવ મલાઇકા અરોરાને અપાયો છે.