શ્રદ્ધાને સીમાડા નથી નડતા: હોલીવુડ સ્ટાર વિલ સ્મિથે હરિદ્વારમાં કર્યું તર્પણOctober 12, 2018

મુંબઇ તા.12
ભારતની યાત્રા માટે આવેલા હોલિવૂડના સુપરસ્ટાર વિલ સ્મિથ હરિદ્વાર સ્થિત હર કી પૌડી પહોંચી ગયા હતા. સનાતન હિન્દુ પરંપરા અને અધ્યાત્મમાં ઉંડી શ્રદ્ધા ધરાવતા સ્મિથે ખાસ ગંગા પૂજન અને તર્પણ કર્યુ હતું.
શ્રાદ્ધપક્ષની પિતૃ અમાસ પર હોલિવુડ સ્ટાર વિલ સ્મિથને ભારતીય અધ્યાત્મ દર્શન, સનાતન હિન્દુ પરંપરાનું આકર્ષણ હરિદ્વાર સ્થિત હરકી પૈડી સુધી ખેંચી લાવ્યું હતું.
સ્મિથે હર કી પૈડી પર વિશેષ ગંગા પૂજન અને કનખલના મહામૃત્યુંજય મંદિરમાં રૂદ્રાભિષેક કરીને પોતાના પૂર્વજોની આત્માની શાંતિ માટે કામના કરી હતી. હરિદ્વારમાં તેમણે જ્યોતિષાચાર્ય પાસેથી પોતાની જન્મકુંડળી બનાવડાવી અને તેમને જયોતિષથી લઇને ભારતીય અધ્યાત્મ અને સનાતન હિન્દુ પરંપરા પર પોતાની જિજ્ઞાસા વ્યક્ત કરીને પ્રશ્ર્નો પૂછયા હતા.
જ્યોતિષાચાર્યએ જણાવ્યું કે સ્મિથ અધ્યાત્મ ઉપરાંત ભારતીય ધર્મ દર્શનમાં ગંગા અને હરિદ્વારની ઉપયોગીતા અને મહત્વ વિશે પણ જાણવા ઇચ્છતા હતા. તેમણે પોતાના જીવનની કેટલાક ગ્રહદોષ વિશેષ કરીને શનિદોષને ઉપાય-નિવારણ કરાવ્યું હતું. સ્મિથએ કનખલના હરિદ્વાર આશ્રમ પહોંચીને ભગવાન મહામૃત્યુંજયના રૂદ્રાભિષેક કરાવ્યો. આ બાદ ત્યાં રહીને હર કી પૌડી પર વિશ્ર્વ પ્રસિદ્ધ સંધ્યાકાલીન ગંગા આરતીમાં પણ સામેલ થયા. જ્યાં તેમણે ખાસ ગંગા પૂજન, આરતી અને ગંગા અભિષેક
કરાવ્યો હતો.