‘તિતલી’ની અસર તળે આજથી હૈદરાબાદ ટેસ્ટOctober 12, 2018

હૈદરાબાદ તા.12
આજથી શરુ થઈ રહેલી વેસ્ટ ઇન્ડીઝ સામેની બીજી ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમે એક દિવસ અગાઉ 12 સભ્યોવાળી ટીમની જાહેરાત કરી છે અને રાજકોટમાં મોટી જીત મેળવનાર ટીમને હૈદરાબાદ ટેસ્ટમાં પણ જાળવી રાખી છે. વિરાટ કોહલીની આગેવાની વાળી ટીમે સિરીઝની પ્રથમ ટેસ્ટ ઇનિંગ અને 272 રને જીતી સિરીઝમાં 1-0ની લીડ મેળવી હતી. રાજકોટ ટેસ્ટમાં પૃથ્વી શોએ પોતાની પદાર્પણ ટેસ્ટ મેચમાં ભારતને મજબૂત શરૃઆત અપાવી હતી અને તેનું સ્થાન પણ નિવૃત છે. રાજકોટમાં નિષ્ફળ રહેલા ઓપનર લોકેશ રાહુલને 12 સભ્યોમાં સ્થાન અપાયું છે. રાહુલને ફોર્મ મેળવવા માટે વધુ એક તક મળી શકે છે. મિડલ ઓર્ડરમાં કોઈ બદલાવ કર્યો નથી. ઘરેલુ ક્રિકેટમાં ફોર્મમાં રહેલા મયંક અગ્રવાલને ફરી એક વાર ટીમમાં સ્થાન અપાયું નથી.
ચક્રવાતી તોફાન તિતલીની અસર હૈદરાબાદ ટેસ્ટ પર પણ પડી શકે છે. આ તોફાન ઉત્તરી આંધ્ર પ્રદેશ અને સાઉથ ઓડિશાના તટીય વિસ્તારો સુધી પહોંચી ગયું છે. ભારતીય હવામાન ખાતા દ્વારા આ વાવાઝોડાની ચેતવણી આપી દીધી છે. તેવામાં હૈદરાબાદ ટેસ્ટ પર પણ તેની અસર થઈ શકે છે. અત્યારે આ તોફાની પવન 140થી 150 કિમીની પ્રતિ કલાકની ઝડપે પહોંચી રહ્યો છે. તેની ગતિ 165 કિમી પ્રતિ કલાકે પહોંચવાની શક્યતા છે. હૈદરાબાદમાં પણ વરસાદની શક્યતાને કારણે મેચને અસર કરી શકે છે.
ભારતીય ટીમ આજથી અહીં શરુ થઈ રહેલી વેસ્ટ ઇન્ડીઝ સામેની બીજી ટેસ્ટ મેચમાં વિજય મેળવી સિરીઝ 2-0થી જીતવાના લક્ષ્ય સાથે ઊતરશે જ્યારે વિન્ડીઝની ટીમ વાપસીના ઇરાદે મેદાને ઊતરશે. ભારતે રાજકોટમાં પ્રથમ ટેસ્ટ ઇનિંગ અને 272 રનના રેકોર્ડ અંતરથી જીતી હતી તથા બીજી ટેસ્ટ મેચમાં પણ વિન્ડીઝ તરફથી કોઈ પડકાર મળે તેવી શક્યતા ઘણી ઓછી છે.
ટીમ: વિરાટ કોહલી, લોકેશ રાહુલ, પૃથ્વી શો, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે, ઋષભ પંત, રવીન્દ્ર જાડેજા, અશ્વિન, કુલદીપ યાદવ, ઉમેશ યાદવ, મોહંમદ શમી, શાર્દુલ ઠાકુર.