ફ્લોરિડામાં 100 વર્ષનાં સૌથી પ્રચંડ વાવાઝોડાંનો હાહાકારOctober 11, 2018

ફ્લોરિડા તા.11
યુએસ ગલ્ફ કોસ્ટ તરફ આગળ વધી રહેલું ચક્રવાત માઇકલ ગઇકાલે બપોરે ફ્લોરિડાના મેક્સિકો બીચ પર ત્રાટક્યું હતું. માઇકલ ફ્લોરિડાના રાજ્યોના તટ સુધી પહોંચી ગયું છે. ગઇકાલે રાત્રે કેટગરી-4માં ફેરવાયેલું ચક્રવાત માઇકલ વધુ શક્તિશાળી બની ગયું છે. ફ્લોરિડાના ગવર્નર રિક સ્કોટે કહ્યું કે, આ અકલ્પનીય વિનાશની ચેતવણી છે. તેઓએ તેને 100 વર્ષમાં સૌથી ખરાબ વાવાઝોડું ગણાવ્યું છે. મધ્ય અમેરિકામાં ગત સપ્તાહના અંતમાં વાવાઝોડાંમાં ભારે વરસાદ અને પૂરના કારણે 13 લોકોનાં મોત થયા હતા. આ વાવાઝોડું 250 કિમી/કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે.
ચક્રવાત માઇકલ બુધવારે કેટેગરી-4માં ફેરવાઇ ગયું હતું, જેના કારણે ફ્લોરિડા અને આસપાસના વિસ્તારોમાં 250 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો છે. જો કે, ફ્લોરિડા પહોંચતા સુધી માઇકલ કેટગરી-3માં હતું અને ફ્લોરિડામાં ત્રાટક્યાં બાદ તે ફરીથી કેટગરી-1માં ફેરવાઇ ગયું છે.
મુખ્ય રસ્તાઓ પૂરના પાણીમાં ડૂબી ગયા છે, મોટાં મોટાં વૃક્ષો પણ ઉખડી ગયા છે. પરાક્ષસી ચક્રવાતથ માઇકલ અંદાજિત 2 વાગ્યે મેક્સિકો બીચ પહોંચ્યુ હતું. વાવાઝોડાંમાં જ્યોર્જિયાના એક 11 વર્ષના બાળક સહિત બે લોકોનાં મોત થયા છે. સિમોન કાઉન્ટીમાં બાળક પર વૃક્ષ પડતાં તેનું મોત થયું હતું. જ્યારે ગ્રીન્સબોરો, ફ્લોરિડામાં એક પુરૂષનું મોત થયું હતું. ફ્લોરિડા, જ્યોર્જિયા અલબામામાં અંદાજિત 5 લાખથી વધુ મકાનો અને બિઝનેસ હાઉસમાં વીજ પુરવઠો ખોરવાયો છે. આજે ગુરૂવાર સવાર સુધી વાવાઝોડું ફ્લોરિડાના પેનહેન્ડલ, સાઉથઇસ્ટ જ્યોર્જિયા અને સાઉથ કેરોલિનામાં ત્રાટક્યા બાદ હવે ઇનલેન્ડ તરફ આગળ વધી રહ્યું છે.
પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે આખા ફ્લોરિડા સ્ટેટમાં ઇમરજન્સી જાહેર કરી છે.ફ્લોરિડામાં હજારો લોકોને સ્થળાંતરના આદેશ આપવામાં આવ્યા હતા, તેમ છતાં કેટલાંક લોકો નિકળી શક્યા નહતા. પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, લોકો માટે બહાર નિકળવું સરળ નથી. ટ્રમ્પે કહ્યું કે, આ લોકોમાંથી કેટલાંક માટે સ્થળ છોડવું એટલું સરળ નથી.
કેટલાંક ક્ષેત્રો અત્યંત ગરીબ છે. કોઇ આવશ્યક ધન વગર કોઇ વ્યક્તિએ સ્થળાંતર કરવું સરળ નથી. એવામાં સરકાર તરફથી અહીંના વિસ્તારોમાં સંખ્યાબંધ બસ મોકલવામાં આવી છે. અમે દરેક પ્રકારે કોશિશ કરી રહ્યા છીએ કે, લોકોને આ ક્ષેત્રથી બહાર કાઢી શકીએ.
માઇકલ વાવાઝોડું અમેરિકાના પૂર્વ તટ પર ઝડપથી આગળ વધશે અને આ વિસ્તારોમાં ભારે વરસાદ થશે. આ એ જ વિસ્તાર છે જે ગત મહિને આવેલા વાવાઝોડાં ફ્લોરેન્સની અસરથી હજુ સુધી બહાર આવી શક્યું નથી.
ફ્લોરિડામાં 3 લાખ 75,000થી વધુ લોકોને વિસ્તાર ખાલી કરાવવા અને ઉંચા સ્થળે જવાનો આદેશ આપવામાં આવ્યો હતો, પરંતુ અધિકારીઓનું અનુમાન છે કે, હકીકતમાં ખૂબ જ ઓછા લોકોએ જ વિસ્તાર છોડ્યો છે.
ગવર્નર રિક સ્કોટે ચેતવણી આપી છે કે, હવે સ્થળાંતરનો સમય પૂર્ણ થઇ ગયો છે.
સ્કોટે આપેલી ચેતવણી અનુસાર, જો તમે તટ વિસ્તારમાં છો તમારું ઘર ના છોડો. તટ વિસ્તારોમાંથી બહાર નિકળવાનો સમય જતો રહ્યો છે. સ્થાનિક અધિકારીઓની ચેતવણી અને અપીલને ગંભીરતાથી લો. જો તમે ઇનલેન્ડ કાઉન્ટીમાં છો તો તમારી પાસે આશ્રય લેવા માટે અંતિમ અવસર છે, પરંતુ એ સમયે જ્યારે સ્થાનિક અધિકારીઓને તે સુરક્ષિત લાગે.