પરપ્રાંતીય નહીં, બધા ભારતીય: અલ્પેશ

અમદાવાદ તા.11
કોંગ્રેસ નેતા અલ્પેશ ઠાકોરે પરપ્રાંતીય પર થઈ રહેલા હુમલાના વિરોધમાં આજથી સદભાવના ઉપવાસ પર બેસતા પહેલા ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. અહીં અલ્પેશ ઠાકોરે ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવીને બાપુને શ્રદ્ધાંજલિ આપી હતી. આ સિવાય અલ્પેશ ઠાકોર સહિતના લોકોએ ગાંધી આશ્રમ ખાતે રામધુન બોલાવી હતી. નોંધનીય છે કે 28 સપ્ટેમ્બરના રોજ હિંમતનગરના ઢુંઢેરમાં 14 મહિનાની બાળકી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.
આ મામલે પોલીસે બિહારના રહેવાસી રવિન્દ્ર સાહુ નામની એક વ્યક્તિની ધરપકડ કરી હતી. જે બાળકીનો બળાત્કાર થયો હતો તે ઠાકોર સમુદાયની હતી. આ ઘટનાને લઇને ઠાકોર સમુદાયમાં ભારે નારાજગી છે પરંતુ કોંગ્રેસ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે સ્પષ્ટ કર્યું હતું કે લોકો પર હુમલા કોઇએ ઘડેલા કાવતરાનું પરિણામ છે.
અલ્પેશ ઠાકોરે કહ્યું હતું કે કોઈને શરીર પર નથી વાગ્યું પણ દિલમાં વાગ્યું છે, આ ઠાકોર સમાજને બદનામ કરવાનો પ્રયાસ, રાજનીતિ ચૂંટણી વખતે હોય પણ પછી ન હોય, નફરતની રાજનીતિ અને વાતોને ક્યાંય સ્થાન ન હોય, પ્રાંતવાદ દેશને ખોખલો કરી નાખે છે, પ્રાંતવાદનું ઝેર ગુજરાતમાં નહીં ફેલાવા દઈએ, ગુજરાતની ખરડાતી છબી ગુજરાત માટે જ નુકસાનકારક છે, ગુજરાત માટે દેશ-વિદેશમાં બહુ પ્રેમ છે પણ આ ગુજરાતને બદનામ કરવાનું ષડયંત્ર છે, ગરીબોને લડવાનું ષડયંત્ર છે એને બંધ કરવા માટે સદભાવના કરવી પડે, 14 મહિનાની દીકરી માટે ન્યાય માગ્યો છે અને અમને પ્રાંતવાદી તેમજ રાષ્ટ્રવિરોધી બનાવી દીધા, અમે પ્રાંતવાદી કે રાષ્ટ્રવિરોધી નથી પણ ગુજરાતી છીએ, ગુજરાતની અસ્મિતા
માટે ખપી જવું એ અમારી સંસ્કૃતિ છે, અમારી કંઈક કદાચ ભુલ થઈ હશે પણ અમે દુખી છીએ, ગરીબને રંજાડવાની અમારી સંસ્કૃતિ નથી, પરપ્રાંતીય શબ્દ જ ન હોવો જોઈએ, આપણે બધા ભારતીય છીએ, આપણે લડવાનું નથી, ગરીબને લડવાથી શું મળશે?