સત્ય, શાશ્ર્વત અને બ્રહ્મસ્વરૂપ પૂર્ણ અંક 9October 11, 2018

નવલા નોરતાના પવિત્ર દિવસો ચાલી રહ્યા છે. જેમાં માતાજીના વિવિધ નવ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે. નવધા ભક્તિમાં પણ નવ અંકનો સમાવેશ થાય છે. ધર્મ અને અધ્યાત્મના ક્ષેત્રે 9 અંકનું મહત્ત્વ ઘણું છે. તા.1પ થી જૈન ધર્મની આસો માસની આયંબિલ ઓળીનો પ્રારંભ થશે જેની આરાધનાના દિવસો પણ નવ હોય છે. નવકાર મંત્રના પણ નવ પદ હોય છે. સમગ્ર બ્રહ્માંડ નવ તત્વોના આધારે છે.
પ્રજાને ઉત્પન્ન કરનાર નવ મનુઓ છે. મનુષ્યને ધારણ કરનાર પૃથ્વીના નવ દ્વિપો છે. નવ નાગ, નવ નિધિ, નવ રત્નો, નવ નાડી અને ગ્રહો પણ નવ છે તેમજ નક્ષત્રો ર7 છે જેનો સરવાળો પણ નવ થાય છે. આમ નવનો અંક શાશ્ર્વત છે. વિશાળ છે. આ પવિત્ર અંક નવનું આધ્યાત્મિક દ્રષ્ટીએ પણ મહત્વ રહેલું છે.
નવને પૂર્ણાંક કહેવામાં આવે છે. દરેક અંકનું ખાસ મહત્વ છે. એ રીતે નવ અંકનું પણ છે. માનવીના શરીરમાં નવ દ્વાર રહેલા છે. માનવીનો જન્મ 9 માસ બાદ થાય છે. ગીતાના અધ્યાય 18, મહાભારતના પર્વ 18, પુરાણો 18 જેનો ટોટલ નવ થાય છે.
શ્રીકૃષ્ણ ભગવાને દ્રૌપદીના 999 ચીર પૂર્યા હતા. ભક્તિના 81 પ્રકારો જેમાં 27 સાત્વિક, 27 રાજસી અને 27 તામસી ભક્તિ છે. ગીતામાં ભગવાનને પણ 27 નામથી સંબોધવામાં આવે છે. જે દરેકનો ટોટલ નવ થાય છે. માળાના મણકા 108 હોય છે. સાધુ મહંતોને 108 ની કે 1008 ની પદવી મળે છે. નવના ઘડીયામાં આવતા જવાબના દરેકનો ટોટલ નવ થાય છે અને એટલે જ તે પૂર્ણ છે.