મહિલાઓનું શારીરિક શોષણ કરતા ભૂવાને મહિલા શક્તિનો પરચો: સ્ટિંગમાં પકડાયો

 કુતિયાણામાં પાપલીલા આચરતા એ લંપટને પકડીને મેળવાઈ કબૂલાત
પોરબંદરના : પોરબંદરના મહેર શક્તિ સેનાના યુવાનોને કુતિયાણાના ખારીજાર વિસ્તારમાં વાછરાડાડાના મંદિરના ભુવા કરશન ઉર્ફે કાના દુદા ટીમ્બા ઘણાં સમયથી લોકોને અંધશ્રદ્ધામાં નાંખીને યુવતીઓ અને મહિલાઓનું શોષણ કરતો હોવાની વિગતો સાંપડી હતી. આથી તે છેતરપીંડી કરતો હોવાની તથા જોષ જોવાને નામે લોકોને ફસાવતો હોવાની માહિતી મળી હતી.
પોરબંદરના મહેર મહિલા અગ્રણી લીલુબેન નરેન્દ્રભાઈ ભુતિયા અને મહેર શક્તિસેનાના યુવાનોએ આ બનાવમાં ભુવાને રંગેહાથ પકડવા માટે છટકું ગોઠવ્યું હતું. જેમાં મહેર શક્તિ સેનાના યુવાનો ભાવેશ નાથાભાઈ ઓડેદરા, અરજણ ઓઘડભાઈ ભુતિયા, રામાભાઈ નરબત કેશવાલા અને અલ્પેશ અરભમભાઈ કુછડીયા વગેરે લીલુબેનની સાથે કુતિયાણા ગયા હતા અને ત્યાં જઈને એવું જણાવ્યું હતું કે તેમને ઘણીબધી સમસ્યાઓ છે તેથી તેના નિરાકરણ માટે દાણા જોઈ દેવા વિનંતી કરી હતી. આથી ભુવાએ દાણા આપ્યા હતા અને સારૂં થઈ જશે તેવું કહ્યું હતું. ત્યારબાદ 10 દિવસ પછી ફરી તેઓ ત્યાં ગયા ત્યારે ભુવાએ એવું કહ્યું હતું કે મારે તમારે ઘરે આવીને તપાસ કરવી પડશે. ત્યાં કોઈ એવો દોષ છે કે કેમ ? તે જોવું પડશે. ત્યારબાદ ભુવો કરશન ઉર્ફે કાના દુદા ટીમ્બા તેની બહેન ગીતા દેવશી કેશવાલા અને અન્ય એક મહિલા નીતાબેન આણંદ સોંદરવા તથા જાહીબેન વેજા મોઢવાડીયા વગેરે આવ્યા હતા અને ત્યારબાદ એકલા મળવા માટે જણાવ્યું હતું. અને ત્યારબાદ એ ભુવો લીલુબેનને એકલો મળ્યો ત્યારે કોઈ બિભત્સ હરકત કરે તે પહેલા જ તેમને મહેર શક્તિ સેનાના યુવાનો અને લીલુબેને સાથે મળીને પકડી પાડ્યો હતો અને ધોલધપાટ કરીને પોલીસને સોંપી દીધો હતો.