તહેવારોમાં સ્વાઇન ફલૂ સામે તકેદારી રાખો: પાનીOctober 10, 2018

 તાવ-શરદીના દર્દીઓને ભીડથી દુર રહેવા સલાહ
 ગરબાના સ્થળે સ્વાસ્થ્ય અંગેના માર્ગદર્શક બોર્ડ મુકવા આયોજકોને અનુરોધ
રાજકોટ તા.10
શરદ ઋતુનાં પ્રારંભે રાજકોટ શહેરમાં સિઝનલ રોગચાળો ફેલાય ફેલાય નહી તે માટે સૌ કોઈને સતર્ક કરતા રાજકોટ મહાનગરપાલિકાનાં કમિશનર બંછાનિધિ પાનીએ કેટલીક તકેદારી રાખવા જાહેર વિનંતી કરી છે અને, ખાસ કરીને શાળા અને આંગણવાડીઓના બાળકોનાં સ્વાસ્થ્યની ચિંતા સાથે તકેદારીના પગલાં લેવા આરોગ્ય શાખાને સતર્ક કરી દીધી છે. કમિશનરએ કહ્યું કે, આજથી નવરાત્રિનાં પાવન પર્વ પર્વનો પ્રારંભ થઇ રહયો છે ત્યારે નાગરિકો સિઝનલ ફ્લુ બાબતે વિશેષ સતર્કતા દાખવે તે જરૂરી છે. ગરબાના આયોજન સ્થળોએ મોટી સંખ્યામાં લોકો એકત્ર થતા હોઈ ત્યાં તકેદારીના વિશેષ પગલાંઓ લેવાય તે જાહેર હિતમાં છે. જેમ કે, આ સ્થળોએ એકઠા થતા લોકો એકબીજા સાથે હાથ મિલાવીને અભિવાદન કરવાને બદલે નમસ્કારની મુદ્રાથી એકબીજાનું અભિવાદન કરે, વગેરે જેવી કાળજી રાખવી જરૂરી છે. ગરબાના આયોજકો દ્વારા ગરબાના સ્થળે સાઈનેજીસ (માર્ગદર્શક બોર્ડ) મુકવામાં આવે તેમજ અન્ય આવશ્યક પગલાંઓ લેવામાં આવે તેવો મહાનગરપાલિકા જાહેર અનુરોધ કરે છે. આ વિશે વાત કરતા મ્યુનિ. કમિશનરશ્રીએ એમ જણાવ્યું હતું કે, વર્તમાન ઋતુ રોગચાળાની સીઝન ગણાય અને આ સમયમાં જ સૌ કોઈએ પોતપોતાના સ્વાસ્થ્ય બાબતે વધુ તકેદારી રાખવી આવશ્યક બની રહે છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકાએ પણ રોગચાળો આરોગ્ય શાખા મારફત જરૂરી સતર્કતા દાખવવાનું શરૂ કરી દીધું છે.
તેમણે વધુમાં કહ્યું કે, શાળા કે આંગણવાડીઓમાં કો કોઈ બાળકને તાવ, શરદી, ખાંસી કે ગળામાં દુખાવો થાય તો તેની સારવાર સુનિશ્ચિત કરવા તેમજ બાળક સ્વસ્થ થઇ જાય ત્યાં સુધી તેને શાળા કે આંગણવાડીએ નહી મોકલવા બાળકના માતા-પિતાને વિનંતી કરવામાં આવે છે. આવા કિસ્સાઓમાં નજીકના આરોગ્ય કેન્દ્રમાં બાળકની સારવારની સુવિધા અને વ્યવસ્થા ઉપલબ્ધ છે તો તેનો લાભ લઇ શકાય છે.
કમિશનરે એમ પણ કહ્યું કે, આવા બાળક ધ્યાનમાં આવ્યેથી મહાનગરપાલિકા દ્વારા બાળકના પરિવારજનોનું સઘન મોનીટરીંગ પણ કરવામાં આવશે. શાળા અને આંગણવાડીઓમાં તથા આસપાસના એરિયાની સફાઈ સ્વચ્છતા સુનિશ્ચિત કરવામાં આવશે.