પ્રાંતવાદ ભડકાવી નીતિન પટેલને મુખ્યમંત્રી બનવું છે: ઠાકોર સેના

 ઓબીસી એકતા મંચ અને ઠાકોર સેનાનો ગંભીર આક્ષેપ: કાલે અમિત શાહ ગુજરાત આવશે: પરપ્રાંતીયો સાથે બેઠક કરશે
અમદાવાદ તા.10
પરપ્રાંતિયો મુદ્દે ઠાકોર સેના પર પ્રહાર કરનારા ડેપ્યુટી સીએમ નીતિન પટેલ સામે ઓબીસી એકતા મંચ અને ઠાકોર સેનાએ મોરચો માંડ્યો છે. ડેપ્યુટી સીએમ નીતિન પટેલે રાજ્યમાં વિર્ગ વિગ્રહ કરીને અશાંતિ ફેલાવીને સીએમ બનવુ છે અને આ ષડયંત્ર પાર પાડવા માટે કામ કરી રહ્યા
હોવાનો આરોપ લગાવ્યો છે. ઓબીસી એકતા મંચના આગેવાને કહ્યુ કે, રાજ્યમાં સૌથી વધુ પરપ્રાંતિયો નીતિન પટેલના ધારાસભ્ય વિસ્તાર મહેસાણામાં છે અને પરપ્રાંતિયોને ગુજરાતમાંથી બહાર કાઢવાનો માહોલ નીતિન પટેલે જ ઉભો કર્યો હોવાનો આરોપ લગાવ્યો છે.
રાજ્યમાં પરપ્રાંતીઓ પર થઈ રહેલા હુમલા બાદ ભાજપ સરકાર એલર્ટ થઈ છે. હુમલાની ઘટના બાદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આવતી કાલે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. અમિત શાહ પરપ્રાંતીઓના સંગઠન સાથે મુલાકાત કરી શકે છે. આ ઉપરાંત અમિત શાહના પૈતૃક ગામના સ્થાનિક મંદિરમાં પૂજાનું આયોજન કરવામાં આવ્યુ છે. જ્યા અમિત શાહ પોતાના પરિવાર સાથે હાજરી આપશે. આ ઉપરાંત તેઓ ભાજપના પદાધિકારીઓ સાથે પણ બેઠક કરી શકે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે અમિત શાહ ટુંકી મુલાકાત બાદ શુક્રવારે દિલ્હી જવા માટે રવાના થશે.