ભારતની પોતાની GPS સિસ્ટમનું સપનું સાકાર: દિલ્હીમાં લોંચ કરાઈSeptember 22, 2018

 સ્વદેશી જીપીએસ મોડ્યુલથી લોકેશન ફટાફટ ટ્રેસ થશે
નવી દિલ્હી તા.22
ગયા વર્ષથી જ દેશી જીપીએસ મોડ્યુલ વિશે ઘણું સાંભળવા મળી રહ્યું છે અને કહેવાતું હતું કે ટુંક સમયમાં જ ભારતને પોતાનું જીપીએસ મોડ્યુલ મળીી જશે. આખરે આ સ્વપ્ન સાકાર થયું છે. નવી દિલ્હીમાં યોજાયેલી એક ઈવેન્ટમાં એસટી માઈક્રોઈલેકટ્રોનીક્સ અને મોબાઈલટેકે યુટીઆરએક્યુ નામનું જીપીએસ મોડ્યુલ લોન્ચ કર્યું છે જે આઈઆરએનએસએસ પર આધારીત છે અને લોકેશનને ટ્રેસ કરવામાં ઉપયોગી થશે. અત્યાર સુધી ડીવાઈસ પર આવતી જીપીએસ એપ્લીકેશન અમેરીકન સેટેલાઈટ દ્વારા આપવામાં આવતી ફીડ પર આધારીત હતી. પરંતુ યુટીઆરએક્યુ ભારતની પોતાની સેટેલાઈટ સિસ્ટમ પર આધારીત હશે જેથી લોકેશન સંબંધિત ડેટા એકદમ સચોટ અને ભરોસાપાત્ર મળશે. આ ઈવેન્ટમાં બે જીપીએસ મોડ્યુલ લોન્ચ કરવામાં આવ્યા છે. એક એલ 110 જીએનએસએસ મોડ્યુલ જે કોમ્પેક્ટ એનએવીએલસી મોડ્યુલ છે. જયારે બીજું એલ 100 જીએનએસએસ મોડ્યુલ જે નાની સાઈઝનું પીઓટી (પેચ ઓન ટોપ) આઈઆરએનએસએસ મોડ્યુલ છે. આ મોડ્યુલ્સનો ઉપયોગ ટ્રેકીંગ ઉપરાંત રેન્જ જણાવવામાં, કમાંડ આપવામાં અને સમય જણાવવા જેવા અન્ય કાર્યોમાં પણ કરી શકાશે. આ મોડ્યુલ્સને વાયુસેના, નૌસેના, આંતરીક સુરક્ષા, સરહદ પર નજર રાખવા, વાહનોને ટ્રેક કરવા જેવી સ્થિતિમાં વાપરી શકાશે. 1999માં થયેલા કારગીલ યુદ્ધ વખતે પાકિસ્તાનની સેનાએ કારગીલના કેટલાક હિસ્સાઓ પર કબ્જો કર્યો ત્યારે ભારતને પોતાના જીપીએસની ખોટ વર્તાઈ. એ વખતે ભારતે સમગ્ર સ્થિતિનો તાગ મેળવવા માટે જીપીએસનો ઉપયોગ કરવાનું વિચાર્યુ અને અમેરીકા પાસે મદદ માગી પરંતુ અમેરીકાએ ના પાડી દીધી હતી. એ વખતે અમેરિકી સેટેલાઈ દ્વારા મહત્વની માહિતી મળી શકી હોત. જો કે હવે ભારતે કોઇ પર આશ્રિત રહેવાની જરૂર નથી. યુટીઆરએક્યુને ઈસરો કંટ્રોલ કરશે અને તેના દ્વારા દેશને સચોટ માહિતી મળશે.