30મીએ સાંજે 5 કલાકે મોદી આવશે રાજકોટSeptember 22, 2018

રાજકોટ તા.2ર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આગામી તા.30 મી ના ગુજરાત મુલાકાતનો કાર્યક્રમ જાહેર થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક જ દિવસમાં રાજકોટ, કચ્છ અને આણંદના લોકાર્પણ અને જાહેર સભા સંબોધનાર હોવાનું ટોચના વર્તુળોમાંથી જાણવા મળી રહ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાજકોટ મુલાકાતનો સતાવાર કાર્યક્રમ ફાઇનલ થઇ ગયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક વર્ષ બાદ ફરી તા.30 સપ્ટેમ્બરના રોજ રાજકોટની મુલાકાતે આવી રહ્યા હોય ઉચ્ચ અધિકારીઓએ
તૈયારી માટેની બેઠકનો ધમધમાટ શરૂ કરી દીધો છે.
સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા.30 ને રવિવારે સાંજે પ.00 કલાકે રાજકોટ આવી રહ્યા છે. તેના મીનીટ ટુ મીનીટના કાર્યક્રમની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે.
વધુમાં મળતી વિગત મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 મી ના રોજ દિલ્હીથી સીધા આણંદ આવશે. જ્યાં ચોકલેટ પ્લાન્ટનું ઉદ્દઘાટન કરી જાહેર સભા સંબોધશે. ત્યાંથી તેઓ 1ર વાગ્યે કચ્છ પહોચી જશે. કચ્છમાં ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લીમીટેડનું એલએનજી ટર્મીનલનું લોકાર્પણ કરશે અને જાહેર સભા સંબોધશે. ત્યાંથી તેઓ 3.30 વાગ્યાની
આસપાસ રવાના થઇ જશે અને 4.4પ કલાકની આસપાસ રાજકોટ પહોચશે.
રાજકોટમાં મહાનગરપાલીકા દ્વારા આલ્ફેડ હાઇસ્કુલમાં રૂા.ર8 કરોડના ખર્ચે બનાવવામાં આવેલ ગાંધી અનુભૂતિ કેન્દ્રનું લોકાર્પણ કરશે અને ચૌધરી હાઇસ્કુલમાં સાંજે સંભવિત પ.30 કલાકે જાહેર સભા સંબોધશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાજકોટનો કાર્યક્રમ ફરી એક વખત ઘડવામાં આવતા ઉચ્ચ અધિકારીઓ દ્વારા કાર્યક્રમને લઇને બેઠકનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. ગઇકાલે આલ્ફેડ હાઇસ્કુલના ગાંધી અનુભૂતિ કેન્દ્રની મુલાકાત મ્યુનિ. કમિશ્નર બંછાનિધિ પાની, પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ અને કલેકટર ડો.રાહુલ ગુપ્તાએ મુલાકાત લીધી હતી.
આજે રજાના દિવસે પણ વડાપ્રધાનનો કાર્યક્રમની જાહેરાત થતા કલેકટર, પોલીસ કમિશ્નર અને મ્યુનિ. કમિશ્નર સહિતના ઉચ્ચ અધિકારીઓની બેઠક કલેકટર કચેરી ખાતે મળી છે. તેમાં મીનીટ ટુ મીનીટ કાર્યક્રમની ચર્ચા કરવામાં આવી છે.

 
 
 

Related News