ચૂંટણી પ્રચારના ઢોલ ઢબૂક્યા... હવે ગામડે-ગામડે સરદારનો શો ! September 21, 2018

 બે તબક્કામાં રાજ્યભરના ગામડાઓમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીના રથ ફરશે: દરેક જિલ્લામાં પ્રભારીમંત્રી આપશે લીલીઝંડી: ગામોગામ એકતાના શપથ લેવડાવશે
રાજકોટ, તા.21
લોકસભા ચુંટણીની કવાયત વચ્ચે ગુજરાત સરકારે ચુંટણી પ્રચારના શ્રીગણેશનો કાર્યક્રમ ઘડી કાઢ્યો છે. સરદાર પટેલની જન્મજયંતિ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે તે પૂર્વે રાજ્ય સરકારે ગામો ગામ સરદાર પોલના શો નું આયોજન કર્યુ છે. સરદાર પટેલની એકતા રથ યાત્રાનો બે તબક્કામાં કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. અત્યંત વિશ્ર્વસનીય સુત્રો પાસેથી જાણવા મળતી વિગત મુજબ નર્મદા જિલ્લાના કેવડીયા કોલોની ખાતે વિશ્ર્વની સૌથી ઉંચી સરદાર પટેલનું સ્ટેચ્યુ બનાવવામાં આવ્યું છે. તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટિનું ખાસમુર્હત કરવામાં આવ્યું હતું હવે સ્ટેચ્યુ ઓફ યુનિટિ તૈયાર થઇ જતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકાર્પણ કરવાના છે.
સરદાર પટેલનું સ્ટેચ્યુ બની જતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી
31 ઓક્ટોબરે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કરવા આવી રહ્યાં છે તે પૂર્વે રાજ્ય સરકારે ચુંટણી પ્રચારનો પણ કાર્યક્રમ ઘડી કાઢ્યો છે.
રાજ્ય સરકાર દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટીનો રથ બનાવી ‘એકતા રથ’ નામ આપવામાં આવ્યું છે નર્મદામાં સરદાર પટેલની જે સ્ટેચ્યુ બનાવ્યું છે તેવી પ્રતિમા અને સરદાર સરોવર ડેમની પ્રતિકુતિ તૈયાર કરવામાં આવી છે. આ રથ રાજ્યભરના ગામડાઓમાં ફરશે એકતા રથનો પ્રારંભ આગામી 20 ઓક્ટોબરના રોજ થશે રાજ્ય સરકાર દ્વારા ગામડે-ગામડે એકતા રથ યાત્રા માટે બે તબક્કામાં આયોજ કરવામાં આવ્યું છે. તા.20 થી 29 ઓક્ટોબર પ્રથમ તબક્કો અને ત્યારબાદ તા.12 થી 21 નવેમ્બરે બીજા તબક્કાની એકતા રથ યાત્રા ગામોગામ કાઢવામાં આવશે. એકતા રથયાત્રા માટે જિલ્લાવાર રથ ઇન્ચાર્જ વિલેજ ઇન્ચાર્જ અને રૂટના નોડલ અધિકારીની નિમણૂંક આપવામાં આવશે. એકતા રથ દરેક ગામડામાં સરદાર પટેલની અને રાજ્ય સરકારે કરેલી કામગીરીની ડોક્યુમેન્ટ્રી ફિલ્મ બતાવવામાં આવશે. એટલું જ નહીં ગામે ગામ એકતાના શપથ લેવડાવવામાં આવશે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં પ્રથમ તબક્કામાં 4000થી વધુ ગામડાઓમાં એકતા રથને જિલ્લાના પ્રભારી મંત્રી લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવશે.
આમ રાજ્ય સરકાર દ્વારા લોકસભા ચુંટણી પ્રચારના શ્રીગણેશ કરી દેવામાં આવ્યા છે.

 
 
 

Related News