શહેરમાં વધુ 6500 પરિવારોને મળશે ઘરનું ઘર

રાજકોટ તા. 18
રાજકોટ શહેરમાં વસવાટ કરતા ઘર વિહોણા ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારોને ઘરનું ઘર મળી રહે તે માટે કેન્દ્ર સરકાર અને રાજય સરકાર દ્વારા આવાસ યોજના બનાવવાની કામગીરી હાથ ધરી છે. સ્માર્ટ ઘર તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજનાની અનેક યોજનાઓ અંતર્ગત રાજકોટમાં હાલ 11 સ્થળ ઉપર કામગીરી શરૂ કરવામાં આવી છે જે ટુંક સમયમાં પૂર્ણ થતા 6500 પરિવારોને ઘરનું મળશે.
રાજકોટ મહાનગરપાલીકાના આવાસ યોજના વિભાગના જણાવ્યા મુજબ સ્માર્ટ ઘર યોજના અને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત શહેરમાં 11 સ્થળ ઉપર આવાસ યોજનાની કામગીરી શરૂ કરવામાં આવી છે જેમાં ઈડબલ્યુએસ તથા એલઆઈજી અને એમઆઈજી વર્ગના પરિવારોને ક્રેડીટ લીંક સબસીડી અંતર્ગત આવાસ ફાળવવામાં આવશે. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત છ લાખથી 2.5 લાખ સુધીની લોન મળવા પાત્ર છે હાલ રાજકોટમાં 6500 આવાસનું કામ ચાલુ છે જે આગામી 4 માસમા પૂર્ણ થઈ જવાની સંભાવના છે. મનપાએ વ્યકત કરી છે.
સરકાર દ્વારા ઈડબલ્યુએસ એટલે કે, નબળા વર્ગ તેમજ એલઆઈજી એટલે કે ઓછી આવક ધરાવતા મધ્યમ વર્ગ તથા એમઆઈજી ઘર વિહોણા લોકોને ઘરનું ઘર મળી રહે તે માટે સ્માર્ટ સીટીને અનુરૂપ વિસ્તારોમાં સ્માર્ટ ઘર 1,2,3,4,5 યોજના શહેરમાં શરૂ કરવામાં આવી છે. જે પૈકી ત્રણ યોજના પીપીપી ધોરણે લાગુ કરવામાં આવી છે જેમા મકાનોનું ડિમોલેશન થયુ હોય તેવા આસામીઓને એજ સ્થળે પીપીપી યોજના અંતર્ગત ઘરનુ ઘર
ફાળવવામાં આવશે આ પ્રકારની યોજના હાલ હિંગળાજનગર અને
રૈયાધાર ખાતે તેમજ ભારતનગર ખાતે ચાલુ છે. આ યોજનામાં
953 આસામીઓને આવાસ ફાળવવામાં આવશે.
રાજકોટ મનપા દ્વારા હિંગળાજનગર, રૈયાધાર, અંબિકા ટાઉનશીપ, 80 ફૂટ રોડ સહિતની 11 સાઈટ ઉપર 6500 આવાસની કામગીરી ચાલુ છે જે પૈકી 3 આવાસ યોજનાનું કામ 2 માસમા પૂર્ણ થઈ જશે બાકીની આવાસ યોજના 2019 ના પ્રારંભમાં પૂર્ણ થશે. ત્યાર બાદ લાભાર્થીઓ અને અસરગ્રસ્તોને ફોર્મ ભર્યા મુજબ લોકાર્પણ કરવામાં આવશે. સ્માર્ટ ઘર યોજનામાં લાભાર્થીને રૂા.1 લાખમાં મકાન આપવામાં આવે છે.
બાકીની રકમ રાજય સરકાર અને કેન્દ્ર સરકાર પૂરી કરે છે તેવી જ રીતે એલઆઈજી અને એમઆઈજીની વ્યાખ્યામાં આવતા પરિવારોને સબસીડીવાળી લોન મળે તે પ્રકારે આવાસ આપવામાં આવે છે. આમ નવા વર્ષની
શરૂઆતમાં એટલે કે 2019ના પ્રારંભમાં શહેરમાં વસવાટ કરતા ઘર વિહોણા 6500 પરિવારોને ઘરનું ઘર મળી જશે.