શુક્રવાર સુધીમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં હળવા ઝાપટાં પડશે

  • શુક્રવાર સુધીમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં હળવા ઝાપટાં પડશે

 બંગાળની ખાડીમાં લો-પ્રેશર થતા દરિયા કિનારાના વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી
અમદાવાદ તા.18
બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરને કારણે આ સપ્તાહના અંત સુધીમાં ગુજરાતમાં હળવા જાપટા પડી શકે છે. છેલ્લા કેટલાક સમયથી રાજયમાં ડબલ સીઝનનો અનુભવ થઇ રહ્યો છે. બંગાળની ખાડીના ઉત્તરે એક નવી લો પ્રેશર સિસ્ટમ તૈયાર થઇ રહી છે. જેની સીધી અસર ગુજરાત પર થાય એવી સંભાવનાઓ
દેખાઇ રહી છે, અને રાજયમાં મળવો વરસાદ થઇ શકે છે. એવી આગાહી હવામાન વિભાગે કરી છે કે, લો પ્રેશર તૈયાર થવાથી સૌરાષ્ટ્રના કિનારાના વિસ્તારોને સીધી અસર થવાની સંભાવના છે. જેથી સૌરાષ્ટ્ર પંથકમાં હળવા ઝાપટા પડશે. મહત્વનું છે કે, સોમવારે સૌરાષ્ટ્ર પંથકના કેટલાક વિસ્તારોમાં પવન સાથે સામાન્ય વરસાદ પડ્યો હતો. બંગાળની ખાડીમાં તૈયાર થતી નવી સિસ્ટમની અસર આગામી 48 કલાકમાં થશે. હવામાન ખાતાએ આગાહી કરતા સ્પષ્ટ કર્યુ હતું કે, આગામી પાંચ દિવસમાં નવી સિસ્ટમ સક્રિય થવાને કારણે ગુજરાતમાં હળવો વરસાદ થશે. જો કે, રાજયમાં રાત્રે ઠંડક અને દિવસે ગરમી અનુભવાઇ રહી છે. એવામાં વરસાદથી તાપમાનમાં વધુ ઘટાડો નોંધાશે. સાયક્લોનિક સરક્યુલેશનને કારણે સૌરાષ્ટ્ર પંથકમાં તેમજ આસપાસના વિસ્તારોમાં વરસાદ પડશે. જ્યારે કચ્છ-ભૂજના વિસ્તારોમાં કોઇ અસર થશે નહીં. એટલે કે સૌરાષ્ટ્ર તથા ગુજરાતના કિનારાના વિસ્તારોમાં વરસાદી માહોલ ફરી સર્જાઇ શકે છે. બંગાલની ખાડીમાં તૈયાર થયેલી નવી સિસ્ટમ પશ્ર્ચિમથી ઉત્તર-પશ્ર્ચિમ તરફ આગળ વધી રહી છે. હવામાન ખાતાએ જણાવ્યું હતું કે, આગામી શુક્રવાર સુધીમાં સૌરાષ્ટ્ર, મધ્યગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ વરસી શકે છે.