જામનગરમાં નામચીન બિલ્ડર જયેશ પટેલના ભાઈ પર હુમલો

જામનગર તા,28
જામનગરના વિવાદાસ્પદ બિલ્ડર અને એડવોકેટ કિરીટ જોશીની હત્યાના કેસમાં ફરાર જયેશ પટેલના ભાઈ પર આજે સરાજાહેર હુમલો કરાતા શહેરમાં ચકચાર મચી જવા પામી છે.
જામનગરના એડવોકેટ કીરીટ જોશીની હત્યા કેસમાં સંડોવાયેલા અને વિદેશ ભાગી છુટેલા કુખ્યાત ભુમાફિયા જયેશ પટેલના ભાઇ ઉપર આજે સવારે અજ્ઞાત શખ્સો દ્વારા હુમલો કરાયો છે. હિરજી મિસ્ત્રી રોડ પર પાંચ શખ્સો હથિયારો સાથે તુટી પડયા હતા અને લોહીલુહાણ કરી દેતા તેને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો છે. આ બનાવના પગલે પોલીસ તંત્ર દ્વારા દોડધામ શરૂ કરાઇ છે.
જામનગરના એડવોકેટ કીરીટ જોષીની હત્યા પાછળ જેનુ નામ સંડોવાયેલુ છે તે કુખ્યાત ભુમાફિયા જયેશ પટેલ કે જે હાલ ફરાર છે પરંતુ તેનો ભાઇ ધર્મેશ રાણપરીયા જામનગરમાં વસવાટ કરે છે જે આજે સવારે દસેક વાગ્યાના અરસામાં પોતાનું એકટીવા સ્કુટર લઇને હિરજી મિસ્ત્રી રોડ પરથી પસાર થઇ રહ્યો હતો જે દરમ્યાન અચાનક પાંચેક જેટલા અજ્ઞાત શખ્સો હથિયારો સાથે તુટી પડયા હતા અને તેના પર આડેધડ હુમલો કરી દઇ લોહીલુહાણ કરી દીધો હતો આ બનાવના પગલે હિરજી મિસ્ત્રી રોડ પર દોડધામ મચી ગઇ હતી.
હુમલાખોરો ભાગી છુટયા હતા જયારે ઇજાગ્રસત ધર્મેશ રાણપરીયાને શરીરના અનેક ભાગોમાં ફ્રેકચર થઇ ગયા હોવાથી ઉપરાંત રકતસ્ત્રાવ થતો હોવાથી અને બીપી અને ડાયાબીટીસની તકલીફ હોવાના કારણે તેની તબીયત લથડતા એમ્બ્યુલન્સ બોલાવી જામનગરની ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયો છે અને તાકીદની સારવાર શરૂ કરી દેવાઇ છે. આ ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે તેમજ ખાનગી હોસ્પિટલે દોડી ગયો છે અને હુમલાના બનાવની જીણવટ ભરી તપાસ શરૂ કરાઇ છે આ બનાવે શહેરમાં ભારે ચકચાર જગાવી છે.