આધાર કેન્દ્રમાં 200થી વધુ અરજદારો ઉમટતા અંધાધુંધી

 છેલ્લા છ માસથી
કીટ ઘટતી હોવા છતા તંત્ર લાપરવાહ
રાજકોટ તા.2પ
દરેક માણસની પોતાની ઓળખાણ માટે સરકારે આધારકાર્ડ ફરજીયાત બનાવ્યું છે. આધારકાર્ડનો ઉપયોગ દરેક સરકારી કામમાં ફરજીયાત હોવાથી લોકોને ડગલે ને પગલે આધારકાર્ડ સાથે રાખવું અનિવાર્ય બની ગયું છે. સરકારે સો ટકા કામગીરી થઇ ગયાના મોટા મોટા બણગા ફુંકયા છે છતા દરરોજ મનપાની આધારકાર્ડ ઓફીસે લોકોની લાઇનો લાગી રહી છે. જેમાં આજરોજ ર00 થી વધુ અરજદારો એકસાથે ઉમટી પડતા અંધાધુંધી થઇ પડી હતી તેમજ ત્રણની જગ્યાએ બે કીટથી કામગીરીનું ગાડુ ગબડાવવામાં આવતા અરજદારોમાં રોષ વ્યાપી ગયો હતો. આધારકાર્ડની કામગીરી રાજકોટ મહાનગરપાલીકાની ત્રણેય ઝોનની કચેરી ખાતે કરવામાં આવે છે. જેમાં મુખ્યત્વે મનપાની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે કામનું વધુ ભારણ રહેતું હોય છે. છેલ્લા દસ દિવસથી આધારકાર્ડના સોફટવેરમાં અપગ્રેડેશનની કામગીરી ચાલુ હોય આધારકાર્ડની કામગીરી ઠપ્પ થઇ ગઇ હતી અને છેલ્લા બે દિવસથી આધારકાર્ડ કેન્દ્રમાં કામગીરી શરૂ કરાઇ છે ત્યારે સ્વાભાવિક રીતે લોકોનો ઘસારો રહેવાનો જ પરંતુ તંત્ર દ્વારા અરજદારોના ઘસારાને પહોચી વળવા માટે કોઇ કામગીરી ન થતા આજે બે કીટ વડે ર00 થી વધુ અરજદારોના આધારકાર્ડ કાઢવાની કામગીરી સવારથી ચાલુ કરવામાં આવી હતી પરંતુ બપોરે 1 વાગ્યા સુધીમાં પણ લાઇનમાં કોઇ જાતનો ફરક ન પડતા ધોમ તડકામાં બાળકોને લઇને ઉભેલી મહિલાઓમાં દેકારો બોલી ગયો હતો અને આ બાબતની જાણ ઉચ્ચ અધિકારીને કરવામાં આવી હતી પરંતુ પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં રોકાયેલા મનપાના સ્ટાફને અરજદારોની મુશ્કેલી નજરમાં આવી ન હતી. કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે આવેલ આધારકાર્ડ કેન્દ્રમાં વહેલી સવારથી અરજદારોની લાઇનો લાગવા માંડી હતી અને બપોર સુધીમાં ર00 થી વધુ મહિલાઓ, બાળકો સહિતના અરજદારો ઉમટી પડયા હતા. આધારકેન્દ્ર ખાતે ત્રણ કીટ દ્વારા કામગીરી કરવામાં આવે છે પરંતુ આજે ફકત બે કીટથી કામગીરી ચાલતી હોવાથી ધીમી કામગીરીના કારણે અરજદારોને તડકે સેકાવાનો વારો આવ્યો હતો. આધારકાર્ડ કેન્દ્રના કર્મચારીઓના જણાવ્યા મુજબ અગાઉ ત્રણ કીટથી કામ થતું હતું પરંતુ એક કીટ અન્ય જગ્યાએ મોકલી દેવાતા કામગીરી ધીમી પડી છે તેની રજૂઆત પણ કરવામાં આવી છે છતા ત્રીજી કીટ આજ સુધી મુકવામાં આવી નથી.