પેલેસ રોડ પર ત્રણ માળના બિલ્ડિંગનું ડિમોલિશનSeptember 25, 2018

 મોતીવાલા હોસ્પિટલ દ્વારા મંજૂરી વગર વધારાનું બાંધકામ ખડકી દેતા ટીપી વિભાગે કાર્યવાહી હાથ ધરી
રાજકોટ તા.2પ
રાજકોટ શહેરમાં નાના પ્લોટધારકો ઝીણા મોટા બાંધકામો ગેરકાયદેસર રીતે કરી લેતા હોય છે પરંતુ મોટા ઉદ્યોગપતિઓ અને હોસ્પીટલના માલીકો દ્વારા પણ નિયમોનું ઉલ્લંઘન કરી ગેરકાયદેસર બાંધકામો કરાઇ રહ્યા છે. જે પૈકી પેલેસ રોડ પર આવેલ મોતીવાલા હોસ્પીટલના માલીકોએ કોઇ જાતની મંજુરી વગર ત્રીજા માળ ઉપર કરેલ ગેરકાયદેસર બાંધકામનું મનપાના ટીપી વિભાગે ડીમોલીશન કરી તોડી પાડયું હતું. મનપાના ટાઉન પ્લાનીંગ ઓફીસર એમ.ડી. સાગઠીયાના માર્ગદર્શન હેઠળ વોર્ડ નં.14 માં પેલેસ રોડ પર મોતીવાલા હોસ્પીટલ દ્વારા મનપાની કોઇપણ પ્રકારની મંજુરી લીધા વગર ત્રણ માળનું ગેરકાયદેસર બાંધકામ કે જે માર્જીનની જગ્યામાં કરી નાખતા અગાઉ ટીપી શાખાએ નોટીસ આપી હતી. છતા હોસ્પીટલના સંચાલકોએ કોર્ટમાં જવાની ચીમકી ઉચ્ચારી સ્ટે મેળવવાની કાર્યવાહી હાથ ધરી હતી પરંતુ ટીપી વિભાગે સમયસર કાર્યવાહી હાથ ધરી હોસ્પીટલ સંચાલકો સ્ટે મેળવે તે પહેલા જ બાંધકામ આજરોજ તોડી પાડયું હતું. પેલેસ રોડ ઉપર મોતીવાલા હોસ્પીટલના સંચાલકો દ્વારા બીલ્ડીંગના બાંધકામ માટે પ્લાન મુકવામાં આવેલ અને તે મુજબનું બાંધકામ કર્યુ હતું. ત્યારબાદ માર્જીનની જગ્યામાં વધુ બાંધકામ કરવાનું શરૂ કરતા જે તે વખતે ટીપી વિભાગે ર60/ર ની નોટીસ આપવામાં આવી હતી અને આસામીને બાંધકામ બંધ કરી તૈયાર થયેલ બાંધકામ જાતે તોડી પાડવા જણાવેલ પરંતુ ઉંચી ઓળખાણ ધરાવતા મોતીવાલા હોસ્પીટલના સંચાલકો વહેમમાં રહી ગયા હતા અને પુરેપુરુ બાંધકામ ગેરકાયદેસર રીતે કરી લેતા અંતે ટીપી વિભાગે આજરોજ માર્જીનની જગ્યામાં થયેલ બાંધકામ તોડી પાડયું હતું
આજની ડીમોલીશનની કામગીરી ટાઉન પ્લાનીંગ શાખાનો સ્ટાફ તેમજ દબાણ હટાવ વિભાગ તથા બાંધકામ શાખા, રોશની, ફાયર અને કાયદો-વ્યવસ્થાની જાળવણી માટે વિજીલન્સના
સ્ટાફ સહિતનાઓ દ્વારા કરવામાં આવી હતી.

 
 
 

Related News