ITI અને સરકારી કોલેજમાં 30 સ્થળેથી ડેન્ગ્યુના લારવા મળ્યા

રાજકોટ તા.15
રાજકોટ શહેરમાં છેલ્લા બે માસથી ડેન્ગ્યુએ કાળો કેર વર્તાવ્યો છે. ગઇકાલે બહાર આવેલ આંકડા મુજબ રાજકોટની હોસ્પીટલોમાં દોઢસોથી વધુ ડેન્ગ્યુના દર્દીઓ સારવાર લઇ રહ્યા છે ત્યારે આરોગ્ય વિભાગે શાળાઓ-કોલેજો અને સરકારી કચેરીઓમાં ડેન્ગ્યુ વિરોધી કામગીરી હાથ ધરી આજરોજ આઇટીઆઇ તેમજ ગવર્મેન્ટ પોલીટેકનીક કોલેજ, પીજીવીસીએલ કચેરી, બીએસએનએલ અને તાર ઓફીસ સહિતના સ્થળોએ તપાસ હાથ ધરી 40 થી વધુ સ્થળેથી ડેન્ગ્યુના લારવાઓ મળી આવ્યા હતા.
આરોગ્ય અધિકારી ડો.પંકજ પી.રાઠોડની ટીમ દ્વારા ભાવનગર રોડ પર આઇટીઆઇ કેમ્પસમાં તપાસ હાથ ધરતા પક્ષીકુંજ પશુના પાણીની કુંડી, સીન્ટેકસની ટાંકી સહિતના સ્થળેથી 1પ થી વધુ ડેન્ગ્યુ મચ્છરના પોરાઓ શોધી કાઢયા હતા. તેવી જ રીતે ગવર્મેન્ટ પોલીટેકનીક કોલેજમાં તપાસ દરમ્યાન સીન્ટેકસની ટાંકી તેમજ ભંગારમાંથી ચાર જગ્યાએથી એડીશ મચ્છરના પોરાઓ મળી આવતા તમામ જગ્યાએ દવા છંટકાવ કરી કોલેજના સ્ટાફને સફાઇ બાબતે તાકીદ કરવામાં આવી હતી.
આરોગ્ય વિભાગે મીલપરા, સબ ડીવીઝન, પીજીવીસીએલની કચેરીમાંથી કેમ્પસમાં રાખેલ ભંગાર અને પક્ષીકુંજ સહિતના સ્થળોએથી આઠ ડેન્ગ્યુના લારવાઓ શોધી કાઢયા હતા.
તેવી જ રીતે જ્યુબીલી ચોક પાસે આવેલ જુની તાર ઓફીસ, બીએસએનએલ કચેરીમાંથી ડીસ્પોઝેબલ ચા તથા આઇસ્ક્રીમના ખાલી કપ અને પાણીની બોટલમાં જમા થયેલ એડીશ મચ્છરના 10 લારવાઓ મળી આવતા તેનો નાશ કરવામાં આવ્યો હતો. ઉપરોકત સ્થળે કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોને ડેન્ગ્યુનું જોખમ રહેલું હોવાથી ઉચ્ચ અધિકારીઓને તાકીદ કરી સંકુલમાં પડેલ ટાયર ભંગાર, પડતર ટાંકી સહિતની વસ્તુઓનો નાશ કરવાની અને તમામ જગ્યાએ સ્વચ્છતા રાખવાની સુચના આપવામાં આવી હતી.