ગેરલાયક ઠેરવવાનો ‘ખેલ’, રાજકોટ કોંગ્રેસ માટે થશે બૂમરેંગ

રાજકોટ તા,15
રાજકોટ જિલ્લા પંચાયતમાં 11 કોંગ્રેસના સભ્યોને ગેરલાયક ઠેરવવાનો ખેલ ‘ઉંધો’ પડે તો નવાઈ નહીં, કારણ કે સામાન્ય સભામાં થયેલ પ્રોસેડીંગ મુજબ 22 સભ્યોએ મતદાન કર્યું હતું. તેમાથી માત્ર 11 સભ્યોને જ પક્ષાંતરધારા મુજબની નોટિસ ફટકારવામાં આવી છે.
રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ નિલેશભાઈ વિરાણીએ જણાવ્યું હતું કે પક્ષાંતરધારા મુજબની નોટિસ મળેલ છે પરંતુ આ નોટિસનો કોઈ મતલબ રહેતો નથી. જિલ્લા વિકાસ અધિકારી દ્વારા રજુ કરવામાં આવનાર પ્રોસેડીંગમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. રાજકોટ જીલ્લા પંચયતનાં એક ડઝન બાગી કોંગી સભ્યોને ગેરલાયક ઠેરવવા રાજયના પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના નામો નિર્દિષ્ટ અધિકારીએ નોટીસ ફટકારતા સભ્યોમાં ખળભળાટ મચી ગયોવ છે. સભ્યોને ગેરલાયક ઠેરવવામાં પ્રદેશ કોંગ્રેસના નેતાઓની ભેદી રાજરમત હોવાનો કેટલાક સભ્યોએ બળાપો કાઢ્યો છે. રાજકોટ જીલ્લા પંચાયતમાં કારોબારી સહિત પાંચ સમિતિથી રચના દરમિયાન કોંગ્રેસના સભ્યોમાં જુથવાદ સાથે બે ફાટા પડી જતા બળવો કરવામાં આવ્યો હતો. કારોબારી સમિતિમાં પક્ષ તરફથી નકકી કરાયેલ સભ્યની પસંદગીના બદલે બળવાખોર સભ્યોએ બહુમતિના જોરે સમિતિમાં કબ્જો જમાવી લીધો હતો. મહત્વની કારોબારી સમિતિ અને બાંધકામ સમિતિમાં બળવાખોર સભ્યો એક જુથ થઇ ર3 નું સંખ્યાબળ થઇ જતા સામાન્ય સભામાં જીલ્લા વિકાસ અધિકારીની હાજરીમાં મતદાન થયું હતું. તેમાં કારોબારી અને બાંધકામ સમિતિમાં ર3 બળવાખોરોએ મતદાન કરેલ જ્યારે હરીફ જુથને માત્ર 11 મત મળેલ હતા તેમાંથી ર3 માંથી એક મત કેન્સલ થતા રર મત મળ્યા હતાં. આમ પક્ષ વિરોધી પ્રવૃતિ બદલી જીલ્લા પંચાયતના સદસ્ય અર્જુનભાઇ ખાટરીયાએ નામો નિર્દિષ્ટ અધિકારીની કચેરીમાં ફરીયાદ કરતાં બળવાખોર રર માંથી 11 સભ્યોને ગેરલાયક ઠેરવવા નોટીસ ફટકારવારમાં આવી છે. કોંગ્રેસના બળવાખોર સભ્યોમાં બેડલાના રાણીબેન સોરાણી, આટકોટના હેતલબેન ગોહેલ, વેરાવળના મગનભાઇ મેટાળીયા, કમળાપુરના વજીબેન સાંકળીયા, કુચીયાદળનાં નાથાભાઇ મકવાણા, મંડલીકપુરના કિશોરભાઇ પાદરીયા, સરધારનાં નિલેશભાઇ વિરાણી, દેવચડીના રેખાબેન પટોળીયા, નવાગામ (જસદણ) ના હંસાબેન ભોજાણી, વિંછીયાના ચતુરભાઇ રાજપરા અને મોવિયા (પડધરી) માં ભાનુબેન તળપદાને નોટીસ ફટકારવામાં આવી છે. પંચાયત ગ્રામ ગૃહનિર્માણના અધિકારી દિલીપ રાવલે તમામ કોંગી સભ્યોને ગેરલાયક ઠેરવવા મામલે આગામી 27/9 ના રોજ બપોરના 4.30કલાકે ગાંધીનગર ખાતે હાજર રહેવા જણાવ્યું છે જો સભ્યો આધાર પુરાવા સાથે હાજર નહી રહે તો પક્ષાતર ધારાની સંબંધીત જોગવાઇ મુજબ એક પક્ષીય કાર્યવાહી કરવામાં આવશે.