હોસ્પિટલ ચોક ટ્રાઈએંગલ ઓવરબ્રિજની ડિઝાઈન ફાઈનલ

રાજકોટ, તા. 15
સ્માર્ટસીટી અંતર્ગત રાજકોટ શહેરમાં રોડ રસ્તાની સાથોસાથ ટ્રાફીક સમશ્યાના ઉકેલ માટે ઓવર બ્રિજ અને અંડર બ્રિજ બનાવવાની કાર્યવાહી મહાપાલીકાએ હાથ ધરી છે જે અંતર્ગત સતત ટ્રાફીકથી ધમધમતા હોસ્પીટલ ચોક ખાતે ટ્રાઈ એંગલ ઓવર બ્રિજ બનાવવા માટેની ડિઝાઈન ફાઈનલ કરવા માટે સોમવારના રોજ મીટીંગનું આયોજન કરવામાં આવ્યુ છે.
સ્ટે.ચેરમેન ઉદયભાઈ કાનગડના જણાવ્યા મુજબ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજકોટમાં બાકી રહેતા ઓવર બ્રિજ અને અન્ડર બ્રિજની કામગીરી ઝડપથી પૂરી કરવાની સુચના આપતા અગાઉ જાહેરાત કરેલ કેકેવી ચોક અન્ડર બ્રિજ અને હોસ્પીટલ ચોક ટ્રાઈ એંગલ ઓવર બ્રિજની કામગીરી માટે તૈયારી આરંભી છે અગાઉની હોસ્પીટલ બ્રિજની ડિઝાઈનમા સવિર્સ રોડનો ઉલ્લેખ ન હોવાથી નવી ડિઝાઈન ફાઈનલ કરવા માટે તા.17 ને સોમવારે મનપાના અધિકારીઓ સાથે મીટીંગનું આયોજન કરવામાં આવ્યું છે અને ડિઝાઈન ફાઈનલ કર્યા બાદ બાદ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. અંદાજે રૂા.22 કરોડના ખર્ચે તૈયાર થનાર હોસ્પીટલ ચોક ટ્રાઈ એંગલ બ્રિજની ડિઝાઈન આગામી 25 વર્ષ સુધીના ટ્રાફીકને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. આ બ્રિજ મોરબી રોડ સાઈડથી શરૂ થઈને જયુબેલી રોડ તેમજ જામનગર રોડ ઉપર બંન્ને સાઈડ ઉતરશે. આ બ્રિજ પૂરેપૂરો પિલોર ઉપર બનાવવામાં આવશે તેના કારણે હાલમાં કાર્યરત ટ્રાફીક પુલની નીચેથી ચાલુ રહેશે. બ્રિજની ત્રણેય સાઈડ સર્વિસ રોડ તૈયાર કરવામાં આવશે જેમાં કપાત આવતી મિલ્કતોનું ડિમોલીશન કરવામાં આવશે. એક માસ બાદ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી ઝડપથી ટેન્ડર મંજુર કરવાની પ્રક્રિયા હાથ ધરી વર્ક ઓર્ડર આપવામાં આવશે.