આજે ઉત્તમ માર્દવ : સમાનતાનો ભાવ એ જ માર્દવ

દુનિયામાં તો નિંદા અને પ્રશંસા સાંભળવા મળ્યા જ કરે છે. અજ્ઞાની બંને પરિસ્થિતિમાં કષાય કરે છે
‘મૃદોર્ભાવ: માર્દવમ્’ મૃદુતા-કોમળતાનું નામ માર્દવ છે. માન કષાયના કારણે આત્મસ્વભાવમાં વિદ્યમાન કોમળતાનો અભાવ થઇ જાય છે. તેમાં એક અકડાઈ-ઘમંડ જેવો ભાવ ઉત્પન્ન થઇ જાય છે. માન કષાયને લીધે માની પુરૂષ પોતાને મોટો અને બીજાઓને નાના માનવા લાગે છે. તેમનાં સમુચિત વિનયનો પણ અભાવ થઇ જાય છે. માની જીવ હંમેશા પોતાને ઉંચો અને બીજાઓને નીચા દર્શાવવાનો પ્રયત્ન કર્યા કરે છે. માન ખાતર તે શું નથી કરતો? છળ-કપટ કરે છે, માનભંગ થતાં કોપાયમાન થઇ જાય છે. સન્માન પ્રાપ્ત કરવા માટે બધું જ કરવા તૈયાર થઇ જાય છે. ત્યાં સુધી કે જે ધનાદિ પદાર્થોનો સંગ્રહ તે મોતના જોખમે કરે છે, તે ધનાદિને પણ પાણીની જેમ રેલાવવા તૈયાર થઇ જાય છે.
કષાયોમાં માનનું બીજું સ્થાન છે, ક્રોધનું પહેલું. દશ ધર્મોમાં પણ ઉત્તમ ક્ષમા પછી ઉત્તમ માર્દવ આવે છે. એનું પણ કારણ છે. જો કે ક્રોધ અને માન બંને દ્વેષરૂપ હોય છે છતાં એમની પ્રકૃતિમાં ફરક છે. જયારે કોઇ આપણને ગાળ આપે છે તો ક્રોધ આવે છે, પરંતુ જયારે પ્રસંશા કરે છે તો માન ઉપજે છે. દુનિયામાં તો નિંદા અને પ્રશંસા સાંભળવા મળ્યા જ કરે છે. અજ્ઞાની બંને પરિસ્થિતિમાં કષાય કરે છે.
તેથી પ્રશંસા નિંદા કરતાં વધારે ખતરનાક છે. એટલે ક્રોધ કરતા માન વધારે ખતરનાક છે. પ્રતિકૂળતામાં ક્રોધ અને અનુકૂળતામાં માન આવે છે. અસફળતા ક્રોધની અને સફળતા માનની જનેતા છે. આ જ કારણે અસફળ વ્યક્તિ ક્રોધી હોય છે અને સફળ માની. જયારે કોઇ વ્યક્તિ કોઇ કામમાં અસફળ થાય છે તો તે એવી સ્થિતિઓ પર કોપાયમાન બને છે જેને તે અસફળતાનું કારણ સમજે છે અને સફળ થતાં સફળતાનું શ્રેય સ્વયં પોતાને શિરે લઇને અભિમાન કરવા લાગે છે.
માન એક મીઠું ઝેર છે, જે મળે ત્યારે સારું લાગે છે, પણ છે ખૂબ દુ:ખદાયક. દુ:ખદાયક શું? દુ:ખરૂપ જ છે, કેમકે છે તો આખરે કષાય જ.
માન આઠ પદાર્થોના આશ્રયે હોય છે:-
જ્ઞાનં પૂજાં કુલં જાતિ બલમૃદ્ધિં તપો વપુ:
અષ્ટાવાશ્રિત્ય માનિત્વં સ્મયમાહુર્ગતસ્મયા:॥
જ્ઞાન, પૂજા, કુળ, જાતિ, બળ, ઋદ્ધિ, તપ અને શરીર આ આઠ વસ્તુઓના આશ્રયે જે માન કરવામાં આવે છે તેને માનરહિત ભગવાન માન કહે છે.
આત્માના માર્દવાદિ ધર્મ અને માનાદિ અધર્મને પણ પર પદાર્થો વડે કેમ મપાય? ધનાદિ પર પદાર્થોના સંયોગમાત્રથી માનકષાય અને એમના અભાવથી માર્દવધર્મ માનનારાઓ ન તો માનકષાયને જ સમજે છે, ન માર્દવ ધર્મને. ભલે તે માનકષાય કરતા હોય પણ એનું સાચું સ્વરૂપ સમજતા નથી.
માર્દવ ધર્મની પ્રાપ્તિ માટે દેહાદિ સાથેની એકત્વબુદ્ધિ તોડવી પડશે. દેહાદિમાં એકત્વબુધ્ધિ મિથ્યાત્વના કારણે થાય છે, તેથી સૌ પ્રથમ મિથ્યાત્વનો જ અભાવ કરવો જોઇએ. ત્યારે જ ઉત્તમક્ષમામાર્દવાદિ ધર્મ પ્રગટ થશે, બીજો કોઇ ઉપાય નથી. મિથ્યાત્વનો અભાવ આત્મદર્શન દ્વારા થાય છે; તેથી આત્મદર્શન જ એકમાત્ર કર્તવ્ય છે; ઉત્તમક્ષમામાર્દવાદિ ધર્મ અર્થાત્ સુખ-શાન્તિ પ્રાપ્ત કરવાનો એકમાત્ર ઉપાય છે.
પરમાંથી મમત્વબુદ્ધિ છોડવાની છે, અને રાગાદિ ભાવોમાં ઉપાદેયબુદ્ધિ છોડવાની છે. એ છૂટી જતાં મુખ્યપણે માન ઉત્પન્ન જ નહીં થાય, વિશેષ કરીને અનંતાનુબંધી માન તો ઉત્પન્ન જ થશે નહીં. ચારિત્ર-દોષ અને કમજોરીને કારણે અપ્રત્યાખ્યાનાદિ માન થોડા સમય સુધી રહેશે, પરંતુ એ પણ આ જ્ઞાન-શ્રધ્ધાનના બળે ઉત્પન્ન થતી આત્મલીનતા વડે ક્રમશ: ક્ષીણ થતા જશે અને એક સમય એવો આવશે કે માર્દવ-સ્વભાવી આત્મા પર્યાયમાં પણ પૂર્ણ માર્દવ-ધર્મ-યુક્ત થઇ જશે, માનાદિનો અંશ પણ રહેશે નહીં.