પાક વીમા કંપનીઓ સામે જિલ્લા બેંકોનો મોરચો

 તમામ જિલ્લા બેંકો ભેગી થઇ પોતાની વીમા કંપની ખોલશે?
રાજકોટ તા.15
પ્રધાનમંત્રી ફસલ વિમા યોજના હેઠળ ગુજરાતમાંથી દરવર્ષે રૂા.3000 થી 3200 કરોડનું પ્રિમિયમ ઉઘરાવી ખેડૂતોને પાકવિમો ચૂકવવામાં અખાડા કરતી કેન્દ્રીય અને ખાનગી વિમા કંપનીઓ સામે હવે રાજયની જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકોએ મોરચો ખોલ્યો છે અને વિમા કંપનીઓની કાયમી ઇજારાશાહીથી છૂટકારો મેળવવા પોતાની વિમા કંપની ઉભી કરવાની ગતિવિધી શરૂ કરી હોવાનું જાણવા મળે છે.
વિમા કંપનીઓ વતી જિલ્લા બેંકો પાક વિમાનું પ્રિમિયમ ઉઘરાવતી હોવાથી વિમા કંપનીઓ પાકવિમો ચૂકવવામાં અખાડા કરે ત્યારે જિલ્લા બેંકો ઉપર ખેડૂતો માછલા ધોવે છે અને ખેડૂતોની નારાજગીનો ભોગ પણ જિલ્લા બેંકોને બનવું પડે છે. તેથી તમામ જિલ્લા સહકારી બેંકો પોતાની વિમા કંપની શરૂ કરે તેવા ચક્રો ગતિમાન થયા છે. જો કે, આ વિમા કંપની શરૂ થાય તો કેન્દ્ર સરકારની પ્રધાન મંત્રી ફસલ વિમા યોજના ફલોપ જાય તેમ હોય, તેથી નવી પાકવિમા કંપનીને ‘રાજકીય’ મંજુરી મળશે કે કેમ? તે જોવાનું રહ્યું.
કેન્દ્ર સરકારની નવી પાક વીમા સ્કીમ- પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાને કારણે ખાનગી વીમા કંપનીઓને જલસા થઇ ગયા છે. આ કંપનીઓ દર વર્ષે અબજો રૂપિયા એકલા ગુજરાતમાંથી જ કમાય છે. પ્રતિ વર્ષ ગુજરાતમાંથી 12 લાખ જેટલા ખેડૂતો, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર મળીને ખાનગી વીમા કંપનીઓને સરેરાશ રૂ. 3,000 કરોડથી 3,200 કરોડ જેટલું પ્રીમિયમ ભરે છે અને સામે 10 ટકા જેટલું ચૂકવણું થાય છે, એટલે કે દર વર્ષે ખાનગી વીમા કંપનીઓ કેવળ ગુજરાતમાંથી જ આશરે રૂ. 2,800 કરોડ માતબર કમાણી કરે છે. આના ફળસ્વરૂપે રાજ્યની સહકારી બેન્કો ભેગી મળી પોતાની નવી વીમા કંપની ઊભી કરે તેવી શક્યતા ઊભી થઇ છે. સૂત્રો કહે છે કે, આ દિશામાં સક્રિયતાથી વિચાર થઇ રહ્યો છે, જે મૂર્તિમંત થાય તેવા સંજોગો છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં ખરીફ- 2018માં 12,00,436 ખેડૂતોએ 22.35 લાખ હેક્ટર વિસ્તારમાં વિવિધ પાકોની વાવણી માટે રૂ. 11,880 કરોડનો વીમો લીધો છે. કરોડનો વીમો લીધો છે. અર્થાત્ પાક નિષ્ફળ જાય તો આટલી રકમ 12 લાખ ખેડૂતોને મળે. ખેડૂતોએ પોતાના ભાગે પડતાં 2-3 ટકાના પ્રીમિયમ પેટે રૂ. 374.21 કરોડ ભર્યાં છે. જ્યારે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા હવે રૂ. 1,400-1,400 કરોડનું ચૂકવણું પ્રીમિયમ પેટે થશે. રાજ્યના 6 ખેતી ક્લસ્ટરમાં ચાર ખાનગી કંપનીઓ- રિલાયન્સ, જનરલ ઇન્સ્યોરન્સ, યુનિવર્સલ, સોમ્પો, ભારતી અક્ષા અને એગ્રિકલ્ચર ઇન્સ્યોરન્સ કંપનીઓએ આ વીમો ઉતાર્યો છે.
આવી જ રીતે સૂત્રો કહે છે કે, ગયા વર્ષે ખરીફ સિઝનમાં 12 લાખ ખેડૂતોએ રૂ.224 કરોડનું પ્રીમિયમ ભર્યું હતું અને રાજ્ય સરકારે તથા કેન્દ્ર સરકારે રૂ. 1,392- 1,392 કરોડ જેટલું પ્રીમિયમ ભર્યું હતું, જેની સામે ખાનગી વીમા કંપનીઓ તરફથી પાકવીમા પેટે ખેડૂતોને આશરે માત્ર 265 કરોડ જ ચૂકવાયા હતા. ગુજરાતમાં મોટાભાગે ખરીફ સિઝનમાં જ રાજ્યના કુલ 50 લાખ ખેડૂતો પૈકી 12 લાખ ખેડૂતો પાક વીમો લે છે, રવી સિઝનમાં માંડ બે-અઢી લાખ હેક્ટરમાં જ નગણ્ય વીમો લેવાય છે.