સંતે ‘ફકીરી’ ઉજાળી: ‘દાતા’ને ઉગારવા ‘સખાવત’ પરત કરી!

એક સમયે ગર્ભશ્રીમંત એવી પેઢીએ સંતને આશ્રમ માટે ર7 વીઘા જમીન દાનમાં આપી હતી
 વર્ષો પછી પેઢી આર્થિક મુસીબતમાં આવી ત્યારે સંતે હવે કરોડોમાં અંકાતી એ ભૂમિ પરત કરી દીધી
રાજકોટ તા.15
"સાધુ હો તો ઐસા શ્રાવણી અમાસની રાતે ભવનાથ નજીક રૂદ્ર જાગીરના આશ્રમે ઉપસ્થિત સંખ્યાબંધ ભકતોનાં મનમાં આ જ એક દાદ ગુંજતી હતી. ઉપક્રમે તો હતો લોકડાયરાનો પરંતુ અસલ ગીરનારી સાધુની દિલેરીના અવસરમાં એ પલટાઇ ગયો હતો, કેમ કે વર્ષો પહેલાં જે સેવકે ર0 વીઘા જમીન મહંત ઇન્દ્રાભારતી બાપુને દાનમાં આપી હતી, એ સેવકના પરીવાર પર આજકાલ અર્થસકંટ આવી પડેલું હોવાથી મહંતે ‘તેરા તુજ કો અર્પણ’ કહીને એ જમીન એ પરીવારને પરત કરી દીધી અને મૂક ભાવે જાણે કહી દીધું કે ‘સાધુ તો ચલતા ભલા’...
આમ ઇન્શાન હોય કે ફકીર, મેળવેલું પાછું આપવાનું તો ઘણાખરાને સપનામાંય સુઝતુ ન હોય ત્યારે આ મહંતે તદ્દન સાહજિકતાથી આપતલ ન મુંઝાય વલણ અપનાવીને ફકીરી ઉજાળી બતાવી હતી. વાત જાણે એમ હતી કે 14 વર્ષ પહેલા રાજકોટના એક ઔદ્યોગીક એકમનો જ્યારે દબદબો હતો અને દોમદોમ સાહયબી છલકતી હતી તે વખતે ઇન્દ્રબાપુના સેવક એવા એ દાતા ઇન્ડસ્ટ્રી આસિસ્ટે સાસણ નજીક આજના દેવળીયા પાર્ક પાસેની ર0 વીઘા જમીન તેમને સખાવત રૂપે આપી હતી. બાપુએ ત્યાં રૂદ્રેશ્ર્વર જાગીર ભારતી આશ્રમ (ઘાટવડ) સ્થાપ્યો, 400 આંબા વિકસાવ્યા અને ધાર્મિક પ્રવૃતિઓ માટેનું ફાર્મહાઉસ બનાવ્યું. છેલ્લા ચારેક વર્ષથી તો પોતે શ્રાવણી અનુષ્ઠાન પણ અહીં જ કરતા. પવિત્ર ભવનાથના સાંનિધ્યવાળા આ રૂદ્રજાગીર આશ્રમની નામના ચોમેર પ્રસરી હતી. બીજી તરફ, એ સખાવતી પરીવારની આર્થિક સ્થિતિ રહેતા રહેતા તંગ બનવા માંડી હતી. ધંધાકીય કટોકટીમાં એક તબક્કો એવો આવ્યો કે કદીક જેમને ત્યાં સૌરાષ્ટ્રભરના લોક સાહિત્યકારો, કલાકારો, હાસ્યકારોના ઉતારા જ્યાં રહેતા એ દાતાશ્રીનાં પરીવારે દેણું ચુકવવા પોતાની મિલ્કતો વેચવાની ફરજ પડી.
ઇન્દ્રભારતીબાપુ આ પરીસ્થિતિ જાણીને ભારે વ્યથિત હતા, અને કયારે એ પરીવારને મદદરૂપ બનવાની ફરજ પાર પાડી શકે એની તકની રાહમાં હતા. આ વર્ષે પણ તેમણે શ્રાવણી અનુષ્ઠાન રૂદ્ર જાગીર આશ્રમે જ કર્યા હતા, જેના સમાપન દીને તેમણે આ અવસર મનમાં દીઠો. શ્રાવણી અમાસે અહીં લોકડાયરો હતો તે દરમિયાન મંચ પરથી પોતડીધારી આ ખરા સાધુએ તદન ટુંકા પણ ભારે હૃદયસ્પર્શી વકતવ્યમાં દાતાપુત્રને સંબોધીને કહ્યું કે આજનો એક દિવસ હું પણ કાલથી તું અહીંનો મહંત. આ જગ્યા હવેથી તારી. તારે એને રાખવી, વેચવી સાટવી જે કરે તે કેમ કે તારે પણ પરીવાર છે. બોલો જય ગિરનારી... એમણે આ રીતે ફકીરી ઉજાળી તેનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ બનતા
લાખો લોકોએ તેમની દિલેરીને બીરદાવી છે.