30 સપ્ટેમ્બરે માનવતા મહોત્સવની સેવામય ભવ્ય ઉજવણી

રાજકોટ તા.15
ધર્મ અને માનવ સેવાના ક્ષેત્રે અતિ મુલ્યવાન વૈચારિક ક્રાંતિના પ્રણેતા રાષ્ટ્રસંત પૂજ્ય નમ્રમુનિ મ.સા. આદિ 75 સાધુ સાધ્વીજીઓ શ્રી રોયલપાર્ક સ્થાનકવાસી જૈન સંઘ ખાતે
બિરાજે છે. રાજકોટમાં હાલમાં પર્વાધિરાજ પર્યુષણ ભવ્ય રીતે સંપન્ન થયા અને શ્રી ઉવસગ્ગહરં સાધના રવિવારના રોજ ચાલી રહેલ છે અને આગામી તા.30 સપ્ટેમ્બરના રોજ પૂજ્ય ગુરુદેવનો જન્મદિન છે જે દર વર્ષે માનવતા મહોત્સવ તરીકે ઉજવાય છે.રાજકોટમાં ચાતુર્માસ અને એમાંય પૂજ્ય ગુરુદેવનો જન્મદિન સોનામાં સુગંધ જેવી વાત છે આ અવસરના ઉપલક્ષ્યમાં અનેક સંસ્થાઓ દ્વારા માનવસેવા તેમજ સમાજસેવાના કાર્યોનું પણ આયોજન કરાયું છે.
આ બધા સામાજિક કાર્યો સાથે આ મહોત્સવ ખુબ જ ઉત્સાહ પૂર્વક ઉજવવામાં આવશે. જેમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્ર ગુજરાત અને દેશ વિદેશના ભકતો હાજરી આપશે. આ મહોત્સવની માહિતી આપવા માટે શ્રી રોયલપાર્કના ચંદ્રકાંત શેઠ, મયુર શાહ, સુજિતભાઈ નરેન્દ્રભાઈ તેમજ રોહિતભાઈએ ‘ગુજરાત મિરર’ની મુલાકાત લીધી હતી.
સ્વાસ્થ્ય જાગૃતિનો કાર્યક્રમ
પૂજ્ય ગુરુદેવના જન્મદિન અવસરને અનુલક્ષીને તા.22 સપ્ટેમ્બરના રોજ બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ અને શેલ્બી હોસ્પિટલ દ્વારા બપોરે 3:30થી સાંજે 6:30 દરમિયાન અરવિંદભાઈ મણિયાર હોલ ખાતે સ્વાસ્થ જાગૃતિનો એક કાર્યક્રમ રાખેલ છે. જેમાં શેલ્બી હોસ્પિટલના નિષ્ણાંત ડોકટર્સની ટીમ ડો.આશિષ શેઠ (ઘુંટણ અને થાપાના નિષ્ણાંત) ડો.ભાવેશ પારેખ (કેન્સર રોગ નિષ્ણાંત), ડો.દિગ્વિજયસિંહ બેદી (ઓબેસીટીના નિષ્ણાંત), ડો.અંકુર પટેલ (જનરલ સર્જન) ઉપસ્થિત રહી માર્ગદર્શન આપવામાં આવશે. આ કાર્યક્રમમાં ભાગ લેવા વડીલોએ આઈકાર્ડ સાથે રાખવું તથા કાર્યક્રમના અંતે નાસ્તાની વ્યવસ્થા પણ રાખવામાં આવેલ છે. કુમાર મહાવીરથી રાષ્ટ્રસંત સુધીની યાત્રા
26મી સપ્ટેમ્બર, 1970ના રોજ, મહારાષ્ટ્રના નાગપુર શહેરમાં વસતા કનૈયાલાલ ભાયાણી નામાના પાવન મનુષ્યના ઘેર એક બાળકનો જન્મ થયો. એ બાળકનું નામ પડંયું કુમાર મહાવીર, જેમને આજે આપણે ક્રાંતિકારી સંત પૂ. ગુરુદેવશ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના નામે ઓળખીએ છીએ. પિતાના અવસાન બાદ પરિવાર અમરેલીના લાઠી ખાતે રહેવા આવી ગયો. કુટુંબના સૌથી નાના એવા મહાવીરની પ્રજ્ઞા નાનપણથી જ બહુ તેજ હતી. નાની ઉંમરે જ પિતા ગુમાવી દેનાર મહાવીરે જોયું હતું કે બાળકોને ઉછેરવામાં પોતાની માતાને કેટલુ કષ્ટ વેઠવું પડ્યું હતું. 1990માં તેનું મન "જીવન પછીના જીવન વિશે વિચારવા વળ્યું ! સન 1991માં 21 વર્ષની ઉંમરે યુવાન મહાવીરના જીવનમાં એક સોનેરી સુરજ ઉગ્યો.... મહાવીર પંચ મહાવ્રત દીક્ષા અંગિકાર કરી અને આપણને મળ્યા આપણા પૂજ્ય નમ્રમુનિ મહારાજ સાહેબ. ગુરુદેવે 19 આગમો કંઠસ્થ કર્યા અને 31 આંગમોને એવી રીતે જાણ્યા, સમજ્યા, શીખ્યા અને આત્મસાત્ કર્યા કે એક જ્ઞાની સંત તરીકે એમની જૈનોમાં પ્રતિષ્ઠા થઇ. તપસમ્રાટ પૂજ્ય ગુરુદેવ શ્રી રતિલાલજી મહારાજ સાહેબના સાંનિધ્યમાં ગુરુદેવ નમ્રમૂનિ મહારાજ સાહેબનું સંયમ-જીવ પાંગર્યુ. આજના યુવાનોને વિનાશાના માર્ગેથી પાછા વાળી દિવ્યતાના પંથ ઉપર લાવવા માટે પૂજ્ય શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ ‘અર્હમ્ યુવા ગૃપ’ની 2005માં સ્થાપના કરી. દેશભરમાં આ ગૃપ દ્વારા 65 કરતાંયે વધારે કેન્દ્રો વિકસાવાયાં. ‘લૂક એન્ડ લર્ન’ જૈન જ્ઞાનધામનો 2006માં પ્રારંભ થયો. આ જ્ઞાનધામનો પ્રસાર માત્ર દેશમાં જ નહીં, દુનિયાભરમાં થયો છે - આજે જગતભરમાં તેનાં 89 જેટલાં કેન્દ્રો સક્રિય છે. આ બંને સંસ્થાઓ દ્વારા હજારો યુવાનો, બાળકો અને બહેનોને જાગ્રત કર્યા. પૂ. ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજની જ પ્રેરણાથી 2007માં ‘પારસધામ’નામના કેન્દ્રનું નિર્માણ આરંભાયું છે જે શાસન પ્રભાવનાની પ્રવૃતિઓનું મોટું કેન્દ્ર બની રહેશે. 90 જેટલા પ્રતિભાશાળી યુવા સાધકોએ 2014માં પૂજ્ય ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબની નિશ્રામાં ભગવતી દીક્ષા લીધી. ગોંડલ ગચ્છ શીરોમણી પરમ પૂજ્ય શ્રી જયંતમુનિજી મહારાજ એમને ‘યુગ દિવાકર’ તરીકે નવાજ્યા છે, તો વર્લ્ડ જૈન મિશન દ્વારા એમને ‘રાષ્ટ્ર-સંત’ તરીકે બિરદાવ્યા છે.