સુરતમાં બની હોવિત્ઝર તોપ !

 પોખરણ રેન્જમાં લક્ષ્યાંક ભેદતા અચૂક પ્રહારો : ટૂંક સમયમાં તોપ સેનામાં સામેલ
નવીદિલ્હી તા,15
ભારતીય સૈન્યે પોખરણ ફાયરિંગમાં ગુરુવારે સાંજે સુરતના હજીરા ખાતે લાર્સન એન્ડ ટુબ્રો નામની કંપની દ્વારા નિર્મિત હોવિત્ઝર તોપ કે-9 વજ્ર ટીની લાંબા અંતર સુધી હુમલો કરવાની ક્ષમતાનું પરીક્ષણ કર્યું હતું. આ પહેલાંના પરીક્ષણ બાદ આ સ્વદેશી તોપમાં 13 સુધારા કરાયા છે.40 થી 50 કિલોમીટરની રેન્જવાળી આ તોપમાંથી છ ગોળા છોડાયા હતા. તમામ ગોળાએ પોતાના લક્ષ્ય પર અચૂક પ્રહાર કર્યો હતો.
મેઈક ઈન્ડિયા પ્રોગ્રામ હેઠળ આ તોપ બનાવાઈ છે. વજ્ર ખાનગી ક્ષેત્રની કંપની લાર્સન એન્ડ ટુબ્રોએ ભારતમાં જ બનાવી છે. સૈન્યે 155 એમએમની આ હોવિત્ઝર તોપમાં પહેલા પરીક્ષણ બાદ કેટલાક ફેરફાર કરવાનું કહ્યું હતું. સુધારા બાદ આ તોપનું પરીક્ષણ પોખરણ ફાયરિંગ રેન્જમાં સેનાએ ફરી વખત કર્યું હતું. આ તોપ ખાસ કરીને રણની પરિસ્થિતિ ધ્યાનમાં રાખ્યા બાદ તૈયાર કરાઈ છે. બહુ થોડા જ સમયમાં તેને સૈન્યમાં સામેલ કરાશે. સેનામાં સામેલ કરાયા બાદ તાકીદે તેને પિૃમી સરહદે તહેનાત કરાશે.આગામી થોડા દિવસોમાં જ આ હજીરા ખાતે કંપનીના પ્લાન્ટમાં એક કાર્યક્રમ દરમિયાન આ તોપ સૈન્યને સોંપાશે. લાર્સન એન્ડ ટુબ્રોએ દક્ષિણ કોરિયાની કંપની ટેકવિનની સાથે મળીને આ તોપનું નિર્માણ કર્યું છે. ગુજરાતના હજીરામાં આ તોપ બનાવવાનું કારખાનું સ્થાપિત કરાયું છે. તોપમાં 50 ટકા પૂરજા દેશમાં જ બનાવેલા છે.
સૈન્યે સાડા ચાર હજાર કરોડમાં 100 તોપનો ઓર્ડર આપ્યો છે. કંપનીએ એ ઓર્ડર વૈશ્વિક સ્તરે બહાર પડાયેલા ટેન્ડરમાં રશિયન કંપનીને પછાડીને મેળવ્યો હતો. આ તોપો સૈન્યમાં સામેલ થવા સાથે સૈન્ય પાસે હોવિત્ઝર તોપની અછત ઘણેક અંશે દૂર થઈ જશે.