‘સ્વચ્છતા હી સેવા’ મિશન લોન્ચ કરતા મોદી: 18 સ્થળે લાઇવ સંવાદ

અમિતાભ બચ્ચન અને રતન ટાટા સાથે પણ વાત કરી
નવી દિલ્હી તા.15
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે શનિવારે સ્વચ્છતા હી સેવા ઝુંબેશ લોન્ચ કરી હતી. મોદીએ કુલ 18 સ્થળોએ એકત્ર વિવિધ જનસમુદાયો સાથે લાઇવ વિડીયો કોન્ફરન્સિંગ વડે સંવાદ કરતા સ્વચ્છતા હી સેવા અભિયાનનો શુભારંભ કરાવ્યો હતો.
વિડીયો કોન્ફરન્સિંગ દરમ્યાન નરેન્દ્ર મોદીએ બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન અને ભારતના ઔદ્યોગીક રત્ન એવા રતન ટાટા સાથે પણ લાઇવ સંવાદ કર્યો હતો.
અમિતાભ બચ્ચને પોતાના દ્વારા થયેલા સફાઇ અભિયાનની વાત કરી હતી અને પ્રત્યુતરમાં નરેન્દ્ર મોદીએ બીગબીના પિતાજી સ્વ.હરીવંશરાય બચ્ચનના જન્મદિનને સ્વચ્છતા સાથે સાંકળવાના બચ્ચન પરીવારના પ્રયાસો તેમજ અમિતાભે સ્વચ્છ ભારત મિશન માટે આપેલ યોગદાનની પ્રશંસા કરી હતી.
રાષ્ટ્રપિતા પૂ.મહાત્મા ગાંધીજીની 1પ0 મી જન્મજયંતી તા.ર ઓકટોબર ર019 ના રોજ આવી રહી છે. નરેન્દ્ર મોદીએ સ્વચ્છ ભારતની પૂ.બાપુની કલ્પના સાકાર કરવા 4 વર્ષ પૂર્વે સ્વચ્છ ભારત મિશન લોન્ચ કર્યુ હતું. હવે આ અભિયાન મહત્વપૂર્ણ તબક્કે પહોચ્યું છે એમ જણાવી નરેન્દ્ર મોદીએ આજે લોન્ચ કરેલ સ્વચ્છતા હી સેવા અભિયાન હેઠળ આગામી એક વર્ષમાં પૂ.ગાંધી બાપુની સ્વચ્છ ભારતની કલ્પના સાકાર કરવા દેશવાસીઓને આ પરીવર્તનકારી ચળવળમાં સામેલ થવા અપીલ કરી હતી. મોદીએ કહ્યું કે, 4 વર્ષમાં ભારતમાં 9 કરોડ શૌચાલયો બનાવ્યા છે. 3 કરોડ બાળકોની જીંદગી સ્વચ્છતાના માધ્યમથી બચાવી છે. સ્વચ્છતા હી સેવા મિશનમાં ર0 કરોડ લોકોને સામેલ કરવાનો લક્ષ્યાંક છે.