ટીમ ઇન્ડિયા : કેવળ થાબણભાણા ભારે પડશે । તંત્રી લેખ

ઈંગ્લેન્ડમાં ભારતીય ક્રિકેટ ટીમ ભૂંડી રીતે 4-1થી ટેસ્ટ શ્રેણી હારી ગઈ, પરંતુ ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને કોચ રવિ શાસ્ત્રીના મતે છેલ્લાં 20 વર્ષની આ સૌથી સારી ભારતીય ક્રિકેટ ટીમ છે. આમ કહીને બંને જણે સચિન, દ્રવિડ, કુંબલે, સહેવાગ, ગાંગુલી જેવા દિગ્ગજનું અપમાન કર્યું છે. ભારતીય ટીમનો દેખાવ પહેલી અને ત્રીજી ટેસ્ટને બાદ કરતાં સાવ સામાન્ય હતો. કોહલી અને પૂજારાને બાદ કરતાં કોઈ પણ ખેલાડી પોતાની ક્ષમતા પ્રમાણે રમ્યો ન હતો, રાહુલે પણ છેક સિરીઝની દસમી ઈનિંગમાં પોતાનું ફોર્મ દાખવ્યું હતું. વળી પહેલી ટેસ્ટમાં પૂજારાને બાકાત રાખવો, બીજી ટેસ્ટમાં ફાસ્ટ બોલરોને અનુકૂળ આવે તેવી પીચ પર કુલદીપ યાદવને રમાડવો, સારો બેટ્સમેન હોવા છતાં કરુણ નાયરને માત્ર પ્રવાસી બનાવી રાખવામાં આવ્યો તો અશ્ર્વિન ઘાયલ હોવા છતાં તેને રમાડાયો અને રવીન્દ્ર જાડેજાને બહાર રાખવામાં આવ્યો હતો. આવા તો કેટલાય બ્લંડર કોચ અને કેપ્ટને કર્યાં છે, તેમ છતાં બંને એક અવાજે ટીમને શ્રેષ્ઠ કહી રહ્યા છે. આનું કારણ એ છે કે જ્યારે કોચની પસંદગી ચાલી રહી હતી ત્યારે વિરાટ કોહલીએ પસંદગીકારના માથે બેસીને રવિ શાસ્ત્રીની વરણી કરાવી હતી. ખરેખર તો અનિલ કુંબલે જ કોચને લાયક હતો અને તેનું નામ લગભગ ફાઈનલ પણ થઈ ગયું હતું, પરંતુ કોહલીએ વિટો વાપરી શાસ્ત્રીના માથે કળશ ઢોળવામાં મોટો ભાગ ભજવ્યો હતો. એ વખતે પણ ઘણી કોન્ટ્રોવર્સી થઈ હતી, પરંતુ ભારતમાં રમાયેલી શ્રેણીઓમાં સારો દેખાવ કરીને બધી વાતો દબાવી દેવામાં આવી હતી. પરંતુ ઈંગ્લેન્ડના પ્રવાસે ભારતીય ટીમે વિદેશની પીચો પર રમવાની ક્ષમતા સાબિત કરી દીધી અને ભારતીય ટીમ વિશ્ર્વની નંબર વન ટીમ છે એવો દાવો પોકળ સાબિત થયો હતો. આટલી ખરાબ સિરીઝ અને આટલા ખરાબ દેખાવ બાદ પણ કોચ અને કેપ્ટન નિર્લજ્જપણે કઈ રીતે આ ટીમને શ્રેષ્ઠ કહેતા હશે તે તો રામ જાણે પરંતુ એક વાત નક્કી છે કે બંને જણ એકબીજાની પીઠ થાબડવાનું કામ કરી રહ્યા છે, કેમ કે જો એમ ન કરે તો બંને સામે અવાજ ઊઠી શકે તેમ છે. એક ખેલાડી તરીકે કોહલીનો જોટો જડે તેમ નથી, તેણે પોતાનું ફોર્મ સતત જાળવી રાખ્યું છે અને વિદેશી ધરતી પર પણ સારો દેખાવ કર્યો છે, પરંતુ સાથે સાથે એક વાત એ પણ સાચી છે કે કેપ્ટન કોહલી સદંતર નિષ્ફળ ગયો છે. ઘરઆંગણેની સિરીઝને બાદ કરો તો વિદેશમાં આપણે ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ સામે સાવ ફિક્કા પુરવાર થયા છીએ. ભારતનો આ બે દેશની મેચમાં કોઈ ક્લાસ જ નથી દેખાયો. પસંદગીકારો પણ ખેલાડીઓ સાથે સંગીત ખુરશી રમી રહ્યા છે. એકાદ શ્રેણીમાં ખરાબ દેખાવ બાદ જે તે ખેલાડીને પડતો મુકાયો હોય તે જ ખેલાડી ઘરઆંગણે પ્રથમ કક્ષાની મેચોમાં કોઈ પણ પ્રકારના સારા દેખાવ વગર ટીમમાં પાછો આવી જતો હોય છે.
આ બધું ભારતીય ક્રિકેટ માટે હાનિકારક છે. જો પસંદગીકારોનો રવૈયો આવો જ રહેશે તો ભારતીય ક્રિકેટનું પતન નિશ્ર્ચિત છે. વળી શ્રીલંકા અને વેસ્ટ ઈન્ડિઝની ટીમ હાલ વિશ્ર્વમાં ટેસ્ટ ક્રિકેટ રમતા દેશોમાં સૌથી નબળી ટીમ ગણાય છે, પરંતુ ઘરઆંગણે તેમનો દેખાવ પણ ઊડીને આંખે વળગે તેવો છે. પોતાની પીચ, પોતાના જ લોકો અને અનુકૂળ વાતાવરણ કોઈ પણ ટીમને ઘરઆંગણે અજેય બનાવી શકે છે. જો તમારે વિશ્ર્વની નંબર વન ટીમ બનવું હોય તો વિદેશની પીચ પર રમીને દેશને મેચો જિતાડવી જોઈએ. ભારતીય ટીમના કેપ્ટન અને કોચે આ સમજવું પડશે અને એકબીજાની પીઠ થાબડવાને બદલે કંઈ નક્કર કરવું પડશે અન્યથા ભારતીય ટીમ ટેસ્ટમાં ક્યારેય વિદેશોમાં મેચ નહીં જીતી શકે અને નંબર વન બનવા છતાં શ્રેષ્ઠ ટીમ તો નહીં જ બની શકે.