ભાદરવાનો રંગ દેખાયો: તડકા શરૂ

ચોમાસાની વિધિવત વિદાયની તૈયારી: આગામી સપ્તાહથી ગરમીનો પારો વધુ ઊંચકાશે તેવો સંકેત
રાજકોટ, તા. 15
છેલ્લા એકાદ પખવાડીયાથી વાદળછાયુ વાતાવરણ રહ્યા બાદ છેલ્લા ત્રણ-ચાર દિવસથી વાતાવરણ સ્વચ્છ થયુ છે અને ધીમેધીમે ભાદરવો મહિનો રંગ દેખાડવા લાગ્યો છે અને ગરમીનો પારો પણ ઉંચકાવા લાગ્યો છે ત્યારે આગામી સપ્તાહથી તાપમાન વધવાનો સંકેત હવામાન વિભાગે દર્શાવ્યો છે.
સૌરાષ્ટ્ર-કચ્છમાં ચાલુ વર્ષે અમરેલી, ભાવનગર, જુનાગઢ, ગીરસોમનાથ જિલ્લાને બાદ કરતા મોટા ભાગના જિલ્લાના અનેક વિસ્તારો વરસાદથી વંચીત રહ્યા હોય તેવી સ્થિતિમાં છે અને ભાદરવા મહિનામાં અંતિમ રાઉન્ડ આવતા સુધીમાં સારો વરસાદ થશે તેવી આશા ખેડુતો અને લોકોને હતી પરંતુ આ આશા સંપૂર્ણ ઠગારી નિવડી છે અને હવે ચોમાસુ વિદાય લેવાની તૈયારીમાં છે ત્યારે આવા વિસ્તારોમાં પાણીની સ્થિતિ વકરશે તેવી સ્થિતિ સર્જાશે.
તેવામાં ચાલુ સપ્તાહમા હજી તો પ્રથમ ભાદરવાનું પ્રથમ અઠવાડીયુ ચાલુ છે ત્યાં જ હવામા સ્વચ્છ બનવા સાથે સૂર્યનારાયણ રંગ દેખાડવા લાગ્યા છે. અને અનેક સ્થળે તાપમાનનો પારો 35 ડીગ્રી નજીક પહોંચવા લાગ્યો છે. તેને કારણે દિવસે લોકોને ગરમી અને બફારો સહન કરવો પડે છે જો કે રાત્રીના સમયે વાતાવરણમાં ટાઢક પ્રસરી જાય છે અને મોડી રાતથી વ્હેલી સવાર સુધી ઝાકટ વર્ષા પણ થતી હોય લોકોને ખુશ્નુમા હવામાન માણવા મળી રહ્યુ છે.
વાતાવરણમાં બદલાવને પગલે લોકો પોતાનું સ્વાસ્થ્ય સારૂ રાખવા માટે વ્હેલી સવારે જોગીંગ, કસરત કરવાની નીકળી પડે છે તો અબાલ-વૃદ્ધો ચાલવા પણ નીકળી પડે છે. જો કે બાદમાં દિવસભર લોકોને ગરમી અને બફારાથી ત્રસ્ત રહેવુ પડે તેવા દિવસો શરૂ થઈ ગયા છે.
રાજકોટ : રાજકોટમાં છેલ્લા સપ્તાહથી મિશ્ર ઋતુનો માહોલ શરૂ થઈ ગયો છે ચાલુ સપ્તાહના પ્રારંભ સુધી વાદળછાયુ વાતાવરણ બની રહ્યુ હતું બાદમાં સોમવારથી હવામાનમાં પલ્ટો આવવા સાથે વાતાવરણ ખુલ્લુ થઈ ગયુ હતુ અને સૂર્યનારાયણ પોતાનું સ્વરૂપ દેખાડવા લાગ્યા છે જેની અસર હેઠળ દિવસનું તાપમાન 35 ડીગ્રી નજીક નોંધાવા લાગ્યુ છે તો ન્યુનતમ તાપમાન 22 થી 25 ડીગ્રી વચ્ચે નોંધાતા આવતુ હોય લોકોને આ આહલાદક નજારો માણવા મળી રહ્યો છે. જો કે ત્રણ-ચાર દિવસમાં તાપમાનનો પારો વધુ ઉંચકાશે તેવો સંકેત સ્થાનિક વેધશાળાના સુત્રોએ દર્શાવ્યો છે.