ચોટીલાના ભેટસુડા ગામે પ્રેમીપંખીડાંનો આપઘાત

રાજકોટ તા,15
અઢી અક્ષરના પ્રેમ પાછળ યુવક યુવતીઓ સમાજ, પરિવાર અને સર્વસ્વ ભુલાવીને પ્રેમાંધ બની જતા હોય છે ત્યારે ચોટીલા તાલુકાના ભેટસુડા ગામે પરિવાર અને સમાજ નહિ સ્વીકારે તેવી બીકે આ ગામમાં જ રહેતા કોળી પ્રેમી યુગલે સીમના રસ્તે ઝાડમાં સાડી બાંધી સામસામે લટકી જઈ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારમાં અને નાના એવા ગામમાં અરેરાટી વ્યાપી ગઈ છે ઘટનાને પગલે પોલીસ કાફલો દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
સાચા પ્રેમને સાબિત કરવા માટે હંમેશા પ્રેમી યુગલોએ અગ્નિપરીક્ષામાંથી પસાર થવું પડતું હોય છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના ભેટસુડા ગામે રહેતા રમેશભાઈ નરશીભાઈ કુકડિયાની સિમ વિસ્તારમાં આવેલી વાડીમાં ઝાડ ઉપર સાડી બાંધી યુવક યુવતીઓ લટકતા હોવા અંગે કોઈ રાહદારી દ્વારા કંટ્રોલમાં જાણ કરવામાં આવતા ગ્રામજનો અને ભાડલા પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો ઘટનાને પગલે એકઠા થયેલા ગ્રામજનોએ આ યુવક યુવતી ગામના જ હોવાનું ઓળખી બતાવ્યું હતું જેમાં ખેતીકામ કરતો મહેશ રમેશભાઈ કુકડીયા જાતે કોળી અને યુવતી વિલાસબેન રાયાભાઈ જાદવ જાતે કોળી હોવાનું જાણવા મળતા પીએસઆઇ સહિતના સ્ટાફે વધુ તપાસ હાથ ધરી હતી પ્રાથમિક તપાસ દરમિયાન એવું જાણવા મળ્યું હતું કે મૃતક મહેશ અને વિલાસ બંને એક જ ગામમાં રહેતા હોય બંને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો બંને એક જ સમાજના હોવા છતાં પરિવાર કે સમાજ નહિ સ્વીકારે અને એક નહિ થવા દે તેવી બીકે ગત રાત્રે ઘરેથી નીકળી ગયા હતા અને રાત્રે જ સજોડે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો સાથે જીવવાના સપના જોતા યુગલનું આ સપનું પૂરું નહિ થતા અંતે સાથે મારવાનો નિર્ણય કર્યો હતો અને પ્રેમકહાનીનો અંત આવ્યો હતો આ ઘટનાને પગલે બંનેના પરિવારમાં અને નાના એવા ગામમાં શોક છવાઈ ગયો છે ઘટના અંગે ભાડલા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.