લોકસભા લડવાની હાર્દિકની તૈયારી

 સ્ટે માટેની અરજી ગ્રાહ્ય: રાહત મળતાં ચૂંટણી લડવાની અટકળો વેગવંતી
રાજકોટ તા.15
વિસનગર કેસમાં પાસ અગ્રણી હાર્દિક પટેલને હાઇકોર્ટે રાહત આપતા લોકસભા ચૂંટણી લડવાનો માર્ગ મોકળો થયો છે. સજા પર સ્ટે બરકરાર રહેતા હવે કદાચ હાર્દિક લોકસભા લડી શકે છે. હવે જ્યારે હાઇકોર્ટે માર્ગ મોકળો કરી દીધો છે. ત્યારે હાર્દિક પટેલ લોકસભા ચૂંટણી લડે તેવી પુરી શક્યતાઓ છે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં પાટીદાર અનામત આંદોલન દરમિયાન મહેસાણામાં આવેલા વિસનગરમાં ભાજપના ધારાસભ્ય ઋષિકેશ પટેલની ઓફિસમાં તોડફોડ કેસમાં વિસનગર સેશન્સ કોર્ટ આ અગાઉ હાર્દિક પટેલ, લાલજી પટેલ સહિત ત્રણને દોષિત ઠેરવ્યા હતા.
(અનુસંધાન પાના નં. 8)
જોકે ત્યાર બાદ ત્રણેય દોષિતોને જામીન મળી ગયા હતા. આ કેસમાં કોર્ટે 14 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા. કોર્ટે હાર્દિક પટેલને, લાલજી પટેલને અને એ. કે. પટેલ એમ ત્રણેયને બે-બે વર્ષની સજા ફટકારી હતી. જેમાં કોર્ટે રાયોટિંગની કલમ હેઠળ ત્રણેયને દોષિત જાહેર કર્યા હતા. મહત્ત્વનું છે કે 23 જુલાઈ 2015નાં રોજ પાટીદાર અનામત રેલી યોજાઈ હતી. જે દરમિયાન ધારાસભ્ય ઋષિકેશ પટેલની ઓફિસમાં તોડફોડ કરવામાં આવી હતી. જે મુદ્દે હાર્દિકને સજા ફટકારાઈ હતી પરંતુ બાદમાં તેઓને જામીન મળી ગયા હતા. વિસનગર હિંસા કેસમાં હાર્દિક પટેલને બે વર્ષની સજાના આદેશ પર સ્ટે આપવા હાઇ કોર્ટમાં અરજી કરી હતી, જેને હાઇ કોર્ટે ગ્રાહ્ય રાખીને સજા પર સ્ટે ઓર્ડર આપ્યો હતો.
અત્રે ઉલ્લેખનિય છે કે, આ કેસમાં હવે હાઇ કોર્ટમાં સુનાવણી થયા બાદ જે કંઇ ચુકાદા આવે ત્યાં સુધી હાર્દિક પટેલની સજા મોકૂફ રહેશે.