કેન્સરગ્રસ્ત મનોહર પારિકર ગોવાનું મુખ્યમંત્રી પદ છોડશે

 પારિકર ફરી સારવારાર્થે ન્યુયોર્ક જશે: ભાજપ દ્વારા ‘વિકલ્પ’ શોધવા નિરીક્ષકોને ગોવા મોકલવામાં આવશે
પણજી તા.15
સ્વાદુપિંડ સંબંધિત બીમારી સામે ઝઝુમી રહેલા ગોવાના મુખ્યમંત્રી મનોહર પારીકર સારવાર માટે યુએસ જઇ શકે છે. સૂત્રોના મતે છેલ્લા 7 મહિનાથી આ બીમારીથી પરેશાન પારીકરે હંગામી ધોરણે મુખ્યમંત્રી પદ છોડવાની ઇચ્છા વ્યકત કરી છે. પારીકર 6 સપ્ટેમ્બરે જ અમેરીકાથી સારવાર કરાવીને પરત ફર્યા છે. બુધવારે જ પારીકરને કેંડોલિમની એક હોસ્પીટલમાં એડમીટ કરાયા હતા. સારવાર માટે અત્યાર સુધીમાં પારીકરને 3 વખત અમેરીકા જવું પડયું છે.
સૂત્રો તરફથી મળેલી માહિતી પ્રમાણે મનોહર પારીકર આ વખતે સારવાર માટે ન્યુયોર્ક જવાના છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ સતત મનોહર પારીકરના સંપર્કમાં છે. સૂત્રો પ્રમાણે શુક્રવારે અમિત શાહે મનોહર પારીકર સાથે વાત કરી છે, જે બાદ ભાજપનું કેન્દ્રીય નેતૃત્વ પારીકરના સ્થાને હંગામી વિકલ્પની શોધમાં છે.
પાર્ટી વિજય પુરાણીકને નિરીક્ષક બનાવીને ગોવા મોકલી રહી છે. તેમની સાથે ઓર્ગેનાઇઝીંગ સેક્રેટરી બી.એલ.સંતોષ પણ ગોવા જઇ રહ્યા છે.
સૂત્રોના મતે આ બંને સિવાય કોઇ વરીષ્ઠ નેતા પણ ગોવા જાય તેવી સંભાવના છે. ગોવામાં ભાજપ સરકારની સહયોગી પાર્ટી મહારાષ્ટ્રવાદી ગોમાંતક પાર્ટીના રામકૃષ્ણ ધવલીકરણને હંગામી ધોરણે મુખ્યમંત્રી પદ સોપવામાં આવશે તેવી માહિતી સૂત્રો તરફથી મળી છે. પારીકર કેબીનેટમાં હાલ સૌથી વરીષ્ઠ મંત્રી રામકૃષ્ણ ધવલીકર જ છે.
ભાજપના એક અધિકારીએ જણાવ્યા કે હાલમાં ધવલીકરણને સીએમ પદનો ચાર્જ સોપાવા અંગે કોઇ નિર્ણય કરવામાં આવ્યો નથી. પહેલા ભાજપના નિરીક્ષકો અહીંના ધારાસભ્યો અને સહયોગી પક્ષોના સભ્યોને મળશે ત્યારબાદ જ કોઇ નિર્ણય લેવાશે તો બીજી તરફ રામકૃષ્ણ ધવલીકરે કહ્યું કે મનોહર પારીકરે મને બોલાવ્યો હતો પરંતુ લીડરશીપ અંગે કોઇ ચર્ચા થઇ નથી. જણાવી દઇએ કે 6 સપ્ટેમ્બરે અમેરીકાથી પરત ફર્યા બાદ પારીકરે હજુ સીએમ ઓફીસ જોઇન નથી કરી.