બુરાડી-કાંડ: 11 લોકો જીવવાની આશાએ મર્યા!

 અરેરાટીભર્યા આત્મહત્યા કાંડમાં નવો ખુલાસો
નવીદિલ્હી તા,15
દેશભરમાં સનસનાટી મચાવનારા દિલ્હીના બુરાડી સામુહિક આત્મહત્યા કેસમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે. સીબીઆઈએ પોલીસને સાઈકોલોજિકલ ઓટોપ્સી રિપોર્ટ સોંપી દીધો છે. આ રિપોર્ટમાં મૃતક ભાટિયા પરિવારે આત્મહત્યા નહોતી કરી હોવાનું સામે આવ્યું છે. સાઈકોલોજિકલ ઓટોપ્સી રિપોર્ટ અનુંસાર ભાટિયા પરિવારના તમામે તમામ 11
લોકો આત્મહત્યા નહોતા કરવા માંગતા. તેમના મૃત્યું એક અકસ્માત હતો. એટલે કે ભૂલથી આ તમામ લોકો માર્યા ગયા હતાં. સીબીઆઈ જ નહીં પણ દિલ્હી પોલીસની અત્યાર સુધીની તપાસ પણ કંઈક આ તરફ જ ઈશારો કરે છે. સાઈકોલોજિકલ ઓટોપ્સી અંતર્ગત પરિવાર અને સગાસંબંધીઓ સાથે વાતચીત કરવામાં આવી હતી. મેડિકલ રિપોર્ટ તપાસવામાં આવ્યા હતા. ત્યાર બાદ પોલીસ અને તપાસ એજંસી આ નિર્ણય પહોંચી હતી.
અહેવાલ અનુંસાર મૃતકોની સાઈકોલોજિકલ ઓટોપ્સી સૂચવે છે કે આ ઘટના આત્મહત્યાની નથી, પરંતુ એક દુર્ઘટના હતી જે એક અનુષ્ઠાન કરતી વખતે ઘટી હતી. એક પણ સભ્યને પોતાનો જીવ આપવાનો ઈરાદો નહોતો.
મનોવૈજ્ઞાનિક ઓટોપ્સી દરમિયાન સીબીઆઈની કેન્દ્રીય ફોરેંસિક વિજ્ઞાન પ્રયોગશાળા (સીએફએસએલ)એ ઘરમાંથી મળેલા રજિસ્ટરમાં લખેલી વાતો તથા પોલીસ દ્વારા નોંધવામાં આવેલા પરિવારના સભ્યો અને મિત્રોના નિવેદનોનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. સીએફએસએલએ પરિવારના સૌથી મોટા સભ્ય દિનેશ ચૂંડાવત અને તેમની બહેન સુજાતા નાગપાલ તથા અન્ય પરિવારની પણ પુછપરછ કરવામાં આવી હતી.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે પોલીસને તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, પરિવારના સભ્ય લલિત ચૂંડાવત પોતાના દિવંગત પિતા તરફથી નિર્દેશ મળ્યાનો દાવો કરતો હતો અને તે હિસાબે જ પરિવારના અન્ય સભ્યો પાસેથી કેટલીક ગતિવિધિઓ કરાવતો હતો.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે તેને જ પરિવારના સભ્યોને આવુ અનુષ્ઠાન કરાવ્યું જેમાં તમામે પોતાના હાથ-પગ બાંધી દીધા અને ચહેરાને પણ કપડાથી ઢાંકી દીધો.