ગોંડલમાં ટ્રકની ઠોકરે બાઈક સવાર બે નેપાળી યુવાનનાં મોત

  • ગોંડલમાં ટ્રકની ઠોકરે બાઈક  સવાર બે નેપાળી યુવાનનાં મોત

 મોવિયાથી ગોંડલ ખરીદી કરવા જતા રસ્તામાં કાળ ભેટ્યો
રાજકોટ તા.20
ગોંડલના મોવિયા રોડ ઉપર આવેલા રેતી ચોકમાં ટ્રકે બાઈકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં એક યુવાનનું ઘટના સ્થળે જ મોત નિપજયું હતું. જયારે ગંભીર રીતે ઘવાયેલા યુવાને સારવારમાં દમ તોડતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
પોલીસમાંથી મળતી વિગત અનુસાર ગોંડલ તાલુકાના મોવિયા ગામે છેલ્લા બે વર્ષથી રહેતા અને ચાઈનીઝ વાનગી બનાવી પેટીયું રળતા નેપાળી યુવાન વિષ્ણુ વકતબહાદુર બાઠા (ઉ.વ.18) અને વીરબહાદુર ખત્રી (ઉ.વ.35) સાંજના પાંચેક વાગ્યાના અરસામાં જીજે11 કેકે 677 નંબરના બાઈક પર મોવિયાથી ગોંડલ ખરીદી કરવા જઇ રહ્યા હતા. ત્યારે રેતી ચોકમાં પહોંચતા માતેલા સાંઢની જેમ ધસી આવેલા ટ્રક ચાલકે બાઈકને હડફેટે લેતા જીવલેણ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ગંભીર રીતે
ઘવાયેલા વિષ્ણુ બાઠાનું ઘટના સ્થળે જ મોત નિપજયું હતું. જયારે ઈજાગ્રસ્ત વીરબહાદુર ખત્રીને સારવાર અર્થે ગોંડલ બાદ વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જયાં ચાલુ સારવાર દરમિયાન યુવાને હોસ્પિટલના બિછાને દમ તોડતા નેપાળી પરિવારમાં શોકની લાગણી પ્રસરી હતી. આ બનાવ અંગે ગોંડલ પોલીસે અકસ્માત સર્જનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધી કાનુની કાર્યવાહી હાથ ધરી છે.