આજથી નિર્ણાયક ટેસ્ટ: ભારતની કસોટી

  • આજથી નિર્ણાયક ટેસ્ટ: ભારતની કસોટી

ટ્રેન્ડબ્રિજ તા,18
ઇંગ્લેન્ડ સામેની પાંચ મેચની ટેસ્ટ-સિરીઝમાં એજબેસ્ટન ખાતેની પ્રથમ ટેસ્ટના રોમાંચને પગલે 31 રનથી પરાજિત થયેલી વિરાટસેના લોર્ડ્સની બીજી ટેસ્ટમાં બ્રિટિશરો સામે એક દાવ અને 159 રનના પરાજય સાથે સાવ ઘૂંટણિયે બેસી ગઈ ત્યાર બાદ હવે આજે અહીંના ટ્રેન્ટ બ્રિજમાં ત્રીજી ટેસ્ટ (બપોરે 3.30થી લાઇવ) શરૂ થઈ રહી છે. જો રૂટની ટીમ શ્રેણીમાં 2-0થી આગળ છે અને જો ભારત આ ટેસ્ટ પણ હારશે તો ટ્રોફી અત્યારથી જ ગુમાવી બેસશે અને પછી 0-5ના વ્હાઇટવોશનો ડર ભારતને બે અઠવાડિયા સુધી સતાવ્યા કરશે.
જોકે, ભારત જાન્યુઆરીમાં જોહનિસબર્ગમાં અનુભવેલા સકારાત્મક વળાંક જેવું અહીં ટ્રેન્ટ બ્રિજમાં જોવા માગે છે. ત્યારે સાઉથ આફ્રિકા સામે ભારત પહેલી બન્ને ટેસ્ટ હારી ગયા પછી જોહનિસબર્ગમાં ટોસ જીત્યા બાદ એ મેચ પણ જીતી ગયું હતું.
વિરાટ કોહલીએ 37 ટેસ્ટમાં નેતૃત્વ સંભાળ્યું છે અને તમામ 37 મેચમાં ટીમમાં ફેરબદલ જોવા મળી છે. એ જોતાં, આજે 38મી ટેસ્ટમાં 38મી ફેરબદલ પણ જોવા મળશે. જોકે, ખુદ વિરાટ અને કોચ રવિ શાસ્ત્રી એવી ઇલેવન નક્કી કરવાનો પ્રયાસ કરશે કે જેનાથી લોર્ડ્સની એક ઇનિંગ્સની હાર ભુલાઈ જાય.
વિકેટકીપર દિનેશ કાર્તિક કદાચ ટેસ્ટ-ક્રિકેટમાં છેલ્લી મેચ રમ્યો છે એમ કહી શકાય, કારણકે ખરાબ ફોર્મ (0, 20, 1 અને 0)ને લીધે આજની મેચથી 20 વર્ષીય વિકેટકીપર-બેટ્સમેન રિષભ પંતને લેવામાં આવે એવી સંભાવના છે. હાર્દિક પંડ્યાના સ્થાને કદાચ કરુણ નાયરને ઇલેવનમાં સમાવવામાં આવે તો નવાઈ નહીં.
ભારત સામેની એજબેસ્ટન ખાતેની પ્રથમ ટેસ્ટના બીજા દાવમાં બહુમૂલ્ય 63 રન બનાવનાર અને આખી મેચમાં ચાર વિકેટ લેનાર પેસ બોલર સેમ કરેનના સ્થાને બેન સ્ટોક્સને ઇલેવનમાં સમાવવામાં આવ્યો છે. સ્ટોક્સે એ જ ટેસ્ટમાં કુલ છ વિકેટ લીધી હતી. સ્ટોક્સ ગયા વર્ષે બ્રિસ્ટોલની એક નાઇટક્લબની બહાર ઝઘડો અને મારપીટના બનાવની સુનાવણીને લીધે લોર્ડ્સની બીજી ટેસ્ટમાં નહોતો રમી શક્યો. અદાલતે તેને નિર્દોષ જાહેર કરતા તેને ફરી રમવાનો મોકો અપાયો છે. કેપ્ટન જો રૂટે કહ્યું હતું કે બેન સ્ટોકસનું ફરી ટીમમાં સ્વાગત છે, પરંતુ તેને સમાવવા આશાસ્પદ સેમ કરેનને ઇલેવનની બહાર રાખવાનો ખૂબ કઠિન નિર્ણય અમારે નાછૂટકે લેવો પડ્યો હતો. મેં મારી કેપ્ટન્સીમાં સિલેક્શનની બાબતમાં લીધેલા સૌથી અઘરા નિર્ણયોમાં આ ગણી શકાય. ભારત
(સંભવિત ઇલેવન)
(1) મુરલી વિજય/ધવન
(2) લોકેશ રાહુલ
(3) ચેતેશ્ર્વર પુજારા
(4) વિરાટ કોહલી (કેપ્ટન)
(5) અજિંક્ય રહાણે
(6) રિષભ પંત/દિનેશ કાર્તિક (વિકેટકીપર)
(7) રવિચન્દ્રન અશ્ર્વિન
(8) કરુણ નાયર/હાર્દિક પંડ્યા
(9) બુમરાહ/ઉમેશ યાદવ
(10) ઇશાંત શર્મા અને
(11) મોહંમદ શમી.
ઇંગ્લેન્ડ ઇલેવન
(1) ઍલસ્ટેર કુક
(2) કીટોન જેનિંગ્સ
(3) જો રૂટ (કેપ્ટન)
(4) ઑલી પોપ
(5) જોની બેરસ્ટોવ (વિકેટકીપર)
(6) જોસ બટલર
(7) બેન સ્ટોકસ
(8) ક્રિસ વોક્સ
(9) આદિલ રશીદ
(10) સ્ટુઅર્ટ બ્રોડ
(11) જેમ્સ ઍન્ડરસન.