ગામડાના પ્રશ્ર્નોના નિકાલ માટે 24મીથી ફરી સેવાસેતુ કાર્યક્રમ

  • ગામડાના પ્રશ્ર્નોના નિકાલ માટે 24મીથી ફરી સેવાસેતુ કાર્યક્રમ

22 સરકારી વિભાગની કામગીરી-યોજના માટે કલેક્ટર-ડીડીઓને કાર્યવાહી કરવા આદેશ: અરજદારોને ડિજિટલ ટ્રાન્ઝેકશનની અપાશે તાલીમ રાજકોટ તા,11
તાલુકા અને શહેરોમાં સેવાસેતુ કાર્યક્રમ કર્યા બાદ હવે રાજય સરકાર દ્વારા ચોથા તબકકાના સેવાસેતુ કાર્યક્રમની જાહેરાત રાજય સરકારે કરી છે. આગામી 24/8 થી ગામડામાં સેવાસેતુ કાર્યક્રમ શરુ કરવામાં આવશે જે અંતર્ગત કલેકટર અને ડીડીઓને અત્યારથી જ કાર્યવાહી કરવા પરિપત્ર પ્રસિધ્ધ કરાયો છે.
સામાન્ય વહિવટ વિભાગના ઉપસચિવ ઉમેશ વસાવાએ જાહેર કરેલ પરિપત્રમાં સેવાસેતુ કાર્યક્રમ અંગે કેટલાક નવા નિયમો પણ જાહેર કરવામાં આવ્યા છે. તેમાં અરજદારો પાસેથી અગાઉથી રજુઆત કે અરજી લેવાની મનાઈ ફરમાવી છે જોકે કાર્યક્રમનું સ્થળ અને તારીખ અગાઉથી જાહેર કરવાની રહેશે.
આ ઉપરાંત સેવાસેતુમાં અરજદારોને ડિજીટલ ટ્રાન્ઝેકશન, ભીમએપ, ડીઝીટલ લોકરની સગવડની તાલીમ આપવામાં આવશે. જે રજુઆતોનો સ્થળ ઉપર નિકાલ શક્ય ન હોય તેવા જુજ કિસ્સામાં લાભાર્થીઓ પાસેથી પુરાવા લઇ 15 દિ’માં નિકાલ કરી અરજદારને જાણ કરવાની રહેશે.
ચોથા તબકકાના સેવાસેતુ કાર્યક્રમ 5-6 ગામના કલસ્ટરમાં જ કરવા આદેશ આપવામાં આવ્યો છે જે સેવાસેતુ કાર્યક્રમ યોજાય તેની વિગતોની માહિતીનું ડોક્યુમેન્ટેશન કરી દર સપ્તાહે મોકલવાની રહેશે. જનધન યોજનામાં બેંક સેવાસેતુ કાર્યક્રમમાં જોડાય તેવી વ્યવસ્થા કરવા પણ આદેશ કરવામાં આવ્યો છે.