રાવકી ગામે ખનીજ માફીયાઓ બેફામ

  • રાવકી ગામે ખનીજ માફીયાઓ બેફામ

રાજકોટ તા.11
લોધીકા તાલુકાના રાવકી ગામે ખનીજ માીફયાઓ ગૌચરની અને સરકારી ખરાબામાંથી બેફામ માટી ચોરી કરતાં હોવા છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યા છે જે અંગે રાવકીના ગ્રામજનોએ ખાણ-ખનીજ વિભાગને રજૂઆત કરી છે. લોધીકાના રાવકી ગામે રહેતા નથુભાઇ હમીરભાઇ ચીરોડીયા સહિતના ગ્રામજનો દ્વારા ખનીજ માફીયા ઘેલા પાનસુરીયા, અનીલ પાનસુરીયા, પરેશ પાનસુરીયા અને બાલો પાનસુરીયા વિરૂધ્ધ ખાણ-ખનીજ વિભાગના સચિવને લેખિત રજૂઆત કરી છે કે, રાવકી ગામે આવેલી સરકારી ખરાબાની ટેકરીઓ અને ગૌચરની જમીનમાંથી રોયલ્ટી વગર ખનીજ માફીયાઓ દ્વારા ખાડા ખોદી મોટા પાયે ચોરી કરી રહ્યા છે તથા દરરોજ 100 થી 150 ટ્રેક્ટર માટી વેંચી આર્થિક લાભ મેળવી રહ્યા છે.
આ અંગે અનેક વાર ખાણખનીજ વિભાગ રાજકોટ અને લોધીકા મામલતદાર કચેરીને અરજીઓ કરી છે અને લોધીકા પોલીસને પણ જાણ કરવામાં આવી છતાં કોઇ પગલા લેવામાં આવતા નથી અને અધિકારી કે કર્મચારીઓ પણ સંડોવાયેલા હોવાનો આક્ષેપ કર્યો હતો.
ગૌવંશ માટે રાખવામાં આવેલી ગૌચરની જમીનમાં મોટા ખાડાઓ કરી માટી ચોરી કરતા હોય જેથી માલધારીઓ ઢોર ચરાવવા પણ જઇ શકતા નથી. તથા ઉંડા ખાડાઓ કરી નાંખેલા હોય પાણી ભરાઇ જવાથી માણસ કે જનાવરનું ખાડામાં પડી જવાથી મોત જવાની ભીતી પણ સેવાઇ રહી છે.
ત્યારે આવા સંજોગોમાં ખનીજ માફીયાઓ દ્વારા ચાલતી ગુનાહીત પ્રવૃતિ બંધ કરાવી ધોરણસરની કાર્યવાહી કરવા માંગ કરી છે.