જિનવાણી રૂપીભેરી વાગશે... જાગો તપસ્વી જાગો તા.15ના રોજ સ્થા.જૈનોનું માસક્ષમણનું ધર

  • જિનવાણી રૂપીભેરી વાગશે... જાગો તપસ્વી જાગો તા.15ના રોજ સ્થા.જૈનોનું માસક્ષમણનું ધર

રાજકોટ તા,11
જૈનોના પર્વોનો રાજા પવોધિરાજ પર્યુષણ મહા પવે શરૂ થવાના હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે.ધર્મ પ્રેમીઓ આતુરતા પૂર્વક આ પર્વની રાહ જોઈ રહ્યાં છે.ઉપકારી પૂ.સાધુ - સાધ્વીજીઓ ધર્મ સ્થાનકોમાં જિનવાણી રૂપી ભેરી વગાડી તપસ્વીઓને જગાડી રહ્યાં છે.તા.15/8/18 શ્રાવણ સુદ, પાંચમને બુધવારના રોજ માસ ક્ષમણનું ધર આવે છે.જૈન સાહિત્યકાર મનોજ ડેલીવાળાએ જણાવ્યું કે ધર એટલે ધારવું.જે તપસ્વી આત્માઓને ત્રીસ ઉપવાસ એટલે કે માસ ક્ષમણ કરવાની શુભ ભાવના હોય તેઓ 15/8 થી તપનો શુભાંરભ કરશે.
મહા પુરુષો કહે છે અનાદિ કાળથી જીવાત્માએ વાદ અને સ્વાદમાં જ બધુ ગુમાવ્યુ છે.પંચેન્દ્રિયમાં રસેન્દ્રિયને જીતવી ઘણી જ કઠીન છે.જીવાત્મા જયાં ઉત્પન્ન થયો ત્યાં સૌ પ્રથમ લંચ પ્રોગ્રામ જ રાખ્યો છે.દરેક ઈન્દ્રિય એક કામ કરે છે જયારે જીભ બે કામ કરે છે...ખાવું અને બોલવું.મહા પુરુષો કહે છે કે મોટા ભાગના લોકો ખાઈને પણ બગાડે છે અને બોલીને પણ બગાડે છે.આ જીવે ટનના ટન અને મણના મણ ખાધુ છતાં ભૂખ્યોને ભૂખ્યો રહે છે.ચાર પ્રકારના ખાડા કહેવાય છે. (1) પેટનો ખાડો,(2) સમુદ્રનો ખાડો,(3)સ્મશાનનો ખાડો (4) તૃષ્ણા - ઈચ્છાનો ખાડો. આગમકાર ભગવંતો કહે છે આ ચાર ખાડા કદી પૂર્ણ થતાં જ નથી.
જૈન ધમેમાં તપનું અનેરૂ અને આગવું સ્થાન છે.આધ્યાત્મિક સાથે આરોગ્યની દ્રષ્ટિએ પણ તપને શ્રેષ્ઠ ઔષધ માનવામાં આવે છે.જીવનમાં નાની - મોટી તપ સાધના કરનારને કદી ડોકટર પાસે જવું પડતું નથી.જેનાથી માસ ખમણ ન થઈ શકે તો પરમાત્માએ બાર પ્રકારના તપ પણ બતાવેલ છે.નાના - નાના નિયમો પણ ધારણ કરી શકાય છે.લીલોત્તરી ત્યાગ,નિત્ય પૂ.સંત - સતિજીઓના દર્શન, જિનવાણીનું શ્રવણ, સામાયિક,પ્રાર્થના,પ્રતિક્રમણ,રાત્રિ ભોજન ત્યાગ, ચૌવિહાર વગેરે વ્રત - નિયમ ધારી શકાય છે.પ્રભુ મહાવીર શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં કહે છે તપ કરવાથી અનંતા કર્મોનો ક્ષય થાય છે તેમજ શારીરિક અને માનસિક દુ:ખોનો અંત આવે છે.