‘કતલખાના’ પર પ્રતિબંધ, અમલ કોણ કરાવશે?

  • ‘કતલખાના’ પર પ્રતિબંધ, અમલ કોણ કરાવશે?

દર વર્ષે માત્ર જાહેરાતો કરવામાં આવે છે, હકીકત સાવ જુદી: શ્રાવણ માસ અને પર્યુષણ પર્વમાં પણ ધમધમતા હોય છે કતલખાના: શું રેંકડીઓમાં વેચાતું નોનવેજ તંત્ર બંધ કરાવશે? રાજકોટ તા,11
રાજકોટમાં ફરીવાર વધુ એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ત્યારે શહેરમાં પ્રતિબંધ હોવા છતાંય કતલખાના ધમધમી રહ્યા છે. નિયમો માત્ર ચોપડે જ બનાવામાં આવે છે. વાસ્તવિકતામાં કોઈ જ કામગીરી કરવામાં આવતી નથી.
દર વર્ષે જાહેરનામાનું ડિડંક કરવામાં આવી રહ્યું છે. રાજકોટ મહાપાલીકાના કમિશ્નર બંછાનિધિ પાનીએ માંસ વેચાણ પર પ્રતિબંધનું જાહેરનામું બહાર પાડ્યું છે જેમાં તારીખ 13,20,27 અને 3 ઓગસ્ટના દિવસે કતલખાના બંધ રાખવા ઉપરાંત માંસ-મટનનું વેચાણ કરવું નહીં.તે ઉપરાંત 6 ઓગસ્ટથી 13 ઓગસ્ટ સુધી કતલખાના બંધ રાખવા તેવું પણ જાહેરનામું બહાર પાડી દીધું છે. પ્રતિબંધ લાગુ કરાયો છે તે દિવસે કતલખાનું ચાલુ નહીં કરી શકાય કે માંસ-મટન, મચ્છીનું વેચાણ કે સ્ટોર નહીં કરી શકાય.
જો કોઇ વેચાણ કરશે તો તેઓની ઉપર કાનૂની પગલાં લેવાની પણ જાહેરાત કરી છે. મહાપાલીકા આ પવિત્ર દિવસોમાં કડક અમલ કરાવે તેવી માંગણીઓ ભાવિકો કરી રહ્યા છે. તહેવારોમાં લોકોની ધાર્મિક લાગણીઓ સાથે દર વર્ષે ખીલવાડ થઇ રહ્યો છે. અમલ કયારે કરાવામાં આવ્યો નથી અનેક જાહેરનામાઓ તંત્રના ચોપડે શોભાના ગાંઠીયા સમાન બની ગયા છે.
પ્રતિબંધ હોવા છતા રાજકોટમાં રેંકડીઓ ખુલ્લેઆમ માંસ-મટનનું વેચાણ થતું રહ્યું છે અને જો તંત્ર કડક કાર્યવાહી નહી કરે તો જાહેરનામાઓ માત્ર મશ્કરી સમાન બની જશે. કડક નિયમો બનાવામાં આવ્યા છે પણ રાજકોટ મહાપાલીકાના અધિકારીઓ આ નિયમો ઘોળીને પી ગયા છે. માત્ર નાટક જ કરવામાં આવી રહ્યું છે. વાસ્તવિકતા સાવ જુદી જ હોય છે. ધારાસભ્યો, સાંસદો, મેયર કોઇ કાંઇ કરી શકતું નથી
રાજકોટ મહાનગરપાલિકા દર વર્ષે જાહેરનામું બહાર પાડવામાં આવે છે છતાંય ધારાસભ્યો, સાંસદો, મેયર કેમ કોઇ કાંઇ આ પ્રશ્ર્ને કરી શક્યું નથી. જાહેરનામાનો ભંગ કરનાર સામે કેમ કોઇ પગલા લેવાતા નથી.
રાજકોટ શહેરમાં જાહેરનામાનો અમલ માત્ર ડિંડક સમાન
મોટાભાગના જાહેરનામાનો અમલ કરાતો નથી. જાહેરનામું માત્ર ડિંડક સમાન બની ગયું છે. તંત્ર જો કાર્યવાહી કરી શકતું નથી તો શું કામ જાહેરનામુ બહાર પાડી લોકોની લાગણી દુભાવે છે. તેવો કચવાટ લોકોમાં થઇ રહ્યો છે. કતલખાના કયા દિવસે બંધ રાખવાના હોય છે
એક વર્ષમાં કયા દિવસે જાહેરનામું બહાર પાડી કતલખાના બંધ રાખવાના આદેશો અપાય છે. ગાંધી જયંતી, બુધ્ધ જયંતી, જન્માષ્ટમી આઠમ, મહાશિવરાત્રી, ઋષિ પાંચમ, પર્યુષણ પર્વ, શ્રાવણ મહિનાના તમામ સોમવાર, ગુરૂનાનક જયંતીના દિવસે કતલખાના બંધ રાખવાનો આદેશ છે. છતાંય રાજકોટમાં કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી.
તમામ ધર્મની લાગણીને માન આપવું જોઇએ
દરેક ધર્મ અને સમાજના લોકોની લાગણીને માન આપવું એ રાજય સરકારનો કાયદો છે. (ભારતના બંધારણ પ્રમાણે). શ્રાવણ માસ કે પર્યુષણ જેવા પવિત્ર પર્વમાં આ પ્રવૃત્તિ સંપૂર્ણ બંધ રહેવી જોઇએ અને બી.પી.એમ.સી. એક્ટ મુજબ આ જવાબદારી સંપૂર્ણપણે મહાનગરપાલિકાની બને છે.