અટલ સરોવરમાં બ્લાસ્ટીંગનું કામ આજથી શરૂ

  • અટલ સરોવરમાં બ્લાસ્ટીંગનું કામ આજથી શરૂ

 તળાવના ઈસ્ટ ભાગમાં લોકોને ન જવાની સૂચના: 7 દિવસ કામગીરી ચાલશે
રાજકોટ તા.11
રાજકોટના નવ નિર્મિત રેસકોર્સ -2 ખાતે આવેલ અટલ સરોવરને વધુ ઉંડુ ઉતારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરોવરના ઈસ્ટઝોન ભાગને ઉંડુ ઉતારવામાટે આજથી બ્લાસ્ટીંગનું કામ શરૂ કરવામાં આવ્યું હોવાનું મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું.
શહેરને રણીયામળુ બનાવવા અને ત્રીજા તળાવની ભેટ આપવા માટે રીંગ રોડ-2 ઉપર રેસકોર્સ-2 બનાવવાનું આયોજન હાથ ધરાયું છે. જેમાં શહેરીજનોને ત્રીજા તળાવ રૂપી અટલ સરોવર ની કામગીરી હાથ ધરાઈ છે. જળ સંચય યોજના અંતર્ગત ગત માસે તળાવ ઉંડુ ઉતારવાની કામગીરી હાથ ધરાઈ હતી. ત્યારબાદ વરસાદનું આગમન થતા તળાવમાં પાણી આવવાના કારણે ઉપરોકત કામગીરી બંધ કરવામાં આવી હતી. અને મુખ્યમંત્રી ના હસ્તે અટલ સરોવરનાં જળપૂજન નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતેા.
અટલ સરોવરમાં હાલ 20% વિસ્તરમાં વરસાદી પાણી ભરાયેલ છે. જયારે વરસાદ ખેંચાતા હાલ પાણી આવવાની સંભાવના નહીવત હોવાથી તળાવના ઈસ્ટ ભાગમાં પથ્થરો તોડવા માટે આજથી બ્લાસ્ટીંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. જે સાત દિવસ સુધી ચાલુ રહેશે. આથી લોકોને આ સ્થળે ન જવાની સૂચના કમિશનરે આપી છે.