કેરળમાં 13 થી 15મીએ અતિ ભારે વરસાદની આગાહીથી હડકંપ

  • કેરળમાં 13 થી 15મીએ અતિ ભારે  વરસાદની આગાહીથી હડકંપ

 છેલ્લા 2 દિવસમાં 28 લોકોના મોત; 10000 લોકોનું સ્થળાંતર,
11 જિલ્લામાં એલર્ટ જારી
ક્ષ પૂરગ્રસ્ત વિસ્તારોમાં સ્કૂલ-કોલેજ બંધ, સરકારી દફતરો, વાહન-વ્યવહાર બધ્ધું જ ઠપ્પ
કોઝિકોડ તા.11
કેરળમાં છેલ્લા બે દિવસથી વરસી રહેલા ભારે વરસાદને પગલે ઇડુક્કી જળાશય છલોછલ થતાં તમામ પાંચ દરવાજા ખોલી સેકંડના પાંચ લાખ લિટર પાણી છોડાતાં પૂરની સ્થિતિ ગંભીર બની છે. ભારે વરસાદને કારણે પર્વતીય વિસ્તારોમાં ભૂસ્ખલન અને પૂરહોનારતથી અત્યાર સુધીમાં 28 લોકોનાં મોત થઈ ચૂક્યાં છે. કેરળના વાયાનાડ, ઇડુક્કી, અલાપ્પુઝા, કોટ્ટયમ, એર્નાકુલમ, પલક્કડ, મલ્લાપુરમ, કોઝિકોડ, કોલ્લમ, પથાનામ્થિટ્ટા અને કોલ્લમ એમ 11 જિલ્લામાં રેડ એલર્ટની જાહેરાત કરાઈ છે. પેરિયારના કાંઠાવિસ્તારોમાંથી 10,000 લોકોને સ્થળાંતર કરાવાયું છે. સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટે લોકોને નદીકાંઠાથી દૂર રહેવાની ચેતવણી જારી કરી છે. એર્નાકુલમમાં પેરિયારના કિનારાવિસ્તારોમાંથી 4,000 લોકોને ખસેડવામાં આવ્યાં છે. એર્નાકુલમમાં 6,500 અને ઇડુક્કીમાં 7,500 પરિવાર પૂરથી પ્રભાવિત થયા છે. ઇડુક્કીના ચેરુથોની શહેરમાં પૂરનાં પાણી ઘૂસી જતાં સમગ્ર શહેર ખાલી કરાવી દેવાયું છે. સમગ્ર રાજ્યમાં 17,000 કરતાં વધુ લોકો પૂરને કારણે વિસ્થાપિત થયાં છે. સરકાર દ્વારા તેમના માટે 260 રાહત કેમ્પ શરૂ કરાયા છે. એર્નાકુલમ અને થ્રિસૂરમાં બપોર બાદ તમામ ઓફિસો બંધ કરી દેવાના આદેશ અપાયા હતા. એર્નાકુલમ જિલ્લા કલેક્ટર મોહમદ સફિરુલ્લાએ જણાવ્યું હતું કે, અમે તમામ શૈક્ષણિક સંસ્થાનો બંધ કરવાનો આદેશ આપ્યો છે. કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહે જણાવ્યું હતું કે, પૂરગ્રસ્ત કેરળને કેન્દ્ર સરકાર દ્વારા તમામ સહાય અપાશે. હું કેરળના સીએમ સાથે વાત કરીશ. આ ઉપરાંત કેરળની સ્થિતિનો અંદાજ મેળવવા રાજનાથે કિરન રિજીજુને રાજ્યના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે મોકલી આપ્યા છે. ભારતીય હવામાન વિભાગે જણાવ્યું હતું કે, શુક્રવારથી વરસાદનું જોર ઘટશે પરંતુ 13થી 15 ઓગસ્ટ વચ્ચે કેરળ, કર્ણાટક અને તામિલનાડુના પર્વતીય વિસ્તારોમાં અતિ ભારે વરસાદ થવાની સંભાવના છે.
કેરળના સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટે વાયાનાડમાં 14મી ઓગસ્ટ સુધી અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે, જ્યારે આલાપ્પુઝા, કોટ્ટયમ, એર્નાકુલમ, પલક્કડ, મલાપ્પુરમ અને કોઝિકોડમાં 11 ઓગસ્ટ સુધી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે. કેરળમાં છેલ્લા 24 કલાકમાં 337 ટકા વધુ વરસાદ થયો છે. કેરળમાં પૂર અને ભૂસ્ખલનમાં ફસાયેલાં લોકોને બચાવવા સેનાની આઠ કોલમ, નેવીની ચાર ટીમ, કોસ્ટગાર્ડની 3 ટીમ અને એનડીઆરએફની પાંચ ટુકડી દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. ઇડુક્કીના અદિમાલીમાં સેનાની બે કોલમ, કન્નુર, થમારાસેરી અને પનામારમમાં સેનાની પાંચ કોલમ મોકલી અપાઈ છે. વાયાનાડ અને મલાપ્પુરમમાં પણ સેનાની કોલમો રાહત અને બચાવકામગીરી કરી રહી છે. નેવી અને કોસ્ટગાર્ડની ટીમો વાયાનાડ, કોચીન અને અલાપુઝામાં રેસ્ક્યૂ ઓપરેશનો ચલાવી રહી છે. એરફોર્સ દ્વારા બચાવકામગીરી માટે બે હેલિકોપ્ટર તહેનાત કરાયાં છે.
---------------------------