શહેરમાં અંધારા છવાશે: સ્ટ્રીટલાઇટ રીપેરીંગ કામ ઠપ

  • શહેરમાં અંધારા છવાશે: સ્ટ્રીટલાઇટ રીપેરીંગ કામ ઠપ

 લેડર વાહન માટે મનપાએ આજે
રિ-ટેન્ડર કર્યુ:
37 લાખના ત્રિ-વાર્ષિક
રેઇટ કોન્ટ્રાક્ટ અપાશે
રાજકોટ, તા.11
રાજકોટ મહાનગર પાલિકા દ્વારા આપવામાં આવતા કોન્ટ્રાક્ટના કામોમાંથી અનેક એજન્સીઓ હાથ ખેંચી રહી છે. હાલમાં વોર્ડનં.15માં ડ્રેનેજના કામ માટે ત્રણ વખત રિ-ટેન્ડર કરવાની મનપાને ફરજ પડી હતી. અને નાછૂટકે 70 ટકા ઓનથી કામ આપવું પડ્યું છે. તેવી જ રીતે શહેરની સ્ટ્રીટ લાઇટનું મેનટેનન્સ કામ માટે ઉપયોગમાં લેવાતાં લેડર વાહનોનો કોન્ટ્રાક્ટ કોઇ રાખવા તૈયાર ન થતાં મનપાએ આજ રોજ રિ-ટેન્ડર કર્યુ છે.
મનપાના રોશની વિભાગના જણાવ્યાં મુજબ શહેરની 53 હજાર એલ.ઇ.ડી. સ્ટ્રીટ લાઇટના રીપેરીંગ કામ માટે ઉપયોગમાં લેવાતા લેડર વાહન માટે અગાઉ ટેન્ડર કરવામાં આવેલ પરંતુ કોઇ એજન્સીએ હાથ ન જાલતા અને હાલમાં ચાલુ છે તે એજન્સીની મુદ્ત પૂરી થતાં ત્રિ-વાર્ષિક રેઇટ કોન્ટ્રાક્ટ માટે ફરી વખત ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. ટેન્ડરની છેલ્લી તા.27/09 છે. ત્યાર બાદ નેગોસિએશનની કામગીરી હાથધરવામાં આવશે અને દરખાસ્ત રજૂઆત કરવામાં આવશે. હાલ લેડર વાહનોનો કોન્ટ્રાક્ટ રાખનાર એજન્સીની મુદ્ત પૂર્ણ થવામાં છે અને તાત્કાલીક કામ શરુ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં રીપેરીંગ કામ ઠપ્પ થવાની ભિતી ઉભી થઇ છે.
રાજકોટમાં 53 હજાર સ્ટ્રીટ લાઇટનું એલઇડીમાં રુપાંતર કરવામાં આવ્યું છે જેના માટે એજન્સીને પાંચ વર્ષનો કોન્ટ્રક્ટ આપવામાં આવ્યો છે. વીજ બિલમાં રાહત થાય તે પૈકી 40 ટકા રકમ એજન્સીને ફાળવવાની શરતે જાળવણી સહિતનું કામ પાંચ વર્ષ સુધી એજન્સીએ કરવાનું હોય છે. પરંતુ ફરિયાદોના પગલે અથવા સ્ટ્રીટ લાઇટની અન્ય કામગીરી માટે પોલ ઉપર થતી કામગીરી માટે લેડર વાહનની જરુર પડે છે. જેનો ત્રિ-વાર્ષિક કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. હાલ કોન્ટ્રાક્ટ પૂરો થતો હોય રેટ કોન્ટ્રાક્ટ માટે આજે મનપાએ રિ-ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી છે.
રાજકોટ મહાનગર પાલિકાના કોન્ટ્રાક્ટ પધ્ધતિથી આપવામાં આવતાં કામોમાં મલાઇ વાળા કોન્ટ્રાક્ટમાં એજન્સીઓનો રાફડો ફાટે છે. જ્યારે ખરેખર કામગીરી કરવાની હોય અને આ કામગીરી અઘરી જણાતી હોય તે પ્રકારની ડ્રેનેજ તેમજ પાણીના લિકેજ રિપેરીંગ સહિતના કામો માટે મનપાને દીવો લઇને એજન્સી ગોતવા નીકળવું પડે છે. તેવો જ ઘાટ સ્ટ્રીટ લાઇટ રીપેરીંગ માટે લેડર વાહનો રાખવાના કોન્ટ્રાક્ટમાં મહાપાલિકાને થયો છે. નવાં ટેન્ડરમાં ઉંચા ભાવ આવવાની શક્યતા રોશની વિભાગે દર્શાવી છે છતાં ડ્રેનેજ કામની જેમ સ્ટ્રીટ લાઇટમાં પણ ઓનથી કામ આપવામાં આવશે તેમ લાગી
રહ્યું છે.