જન્માષ્ટમી બાદ શરૂ થશે માર્કેટ યાર્ડ બચાવો ઝુંબેશ

  •  જન્માષ્ટમી બાદ શરૂ થશે માર્કેટ યાર્ડ બચાવો ઝુંબેશ

રાજકોટ તા.11
તાજેતરમાં મગફળી કૌભાંડ બહાર આવ્યું છે. આવા કૌભાંડો પર રોક લગાવવા અને માર્કેટીંગ યાર્ડોને બચાવવા માટે ભાવાંતર યોજના લાગુ કરવાની માંગ યાર્ડના વેપારીઓ કમીશન એજન્ટો દ્વારા ઉઠાવવામાં આવી છે. સાથોસાથ જો તૈયાર જણસીનું સરકાર જ ખરીદી કરશે તો યાર્ડોને તાળા લાગવાની દહેશત પણ વેપારીઓએ દર્શાવી આ અંગે ઉચ્ચસ્તરે રજૂઆત પણ કરવામાં આવશે. જન્માષ્ટમી બાદ આ માટે સૌરાષ્ટ્રમાં માર્કેટીંગ યાર્ડ બચાવો ઝુંબેશ પણ શરૂ કરવામાં આવશે.
તાજેતરમાં સરકાર દ્વારા ખરીદ કરાયેલ મગફળીના સંગ્રહ સ્થાનો એવા સરકારી ગોડાઉનોમાં મગફળીના જથ્થામાં આગ લાગવી, મગફળીના જથ્થામાં ધુળ અને ઢેફા ભેળવવાનું કૌભાંડ બહાર આવ્યું છે. જ્યારે સરકાર દ્વારા કરાતી ખરીદી સમયે જે તે મંડળીઓ દ્વારા પોતાના સગાવહાલા, રાજકીય આગેવાનોએ સુચવેલા ખેડૂતોની મગફળી સહિત તૈયાર જણસીઓની ખરીદી કરવામાં આવી હોવાની રાવ સાથે કમિશન એજન્ટ કમ વેપારી એસો. દ્વારા સરકારની ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયા રોકી આવા ભ્રષ્ટાચારો બંધ કરવા માટે ભાવાંતર યોજના લાગુ કરવા માંગ કરી છે.
રાજકોટ માર્કેટ યાર્ડના કમિશન એજન્ટ એસો.ના પ્રમુખ અતુલભાઇ કમાણી દ્વારા અપાયેલી વિગત અનુસાર મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર સરકાર દ્વારા ખેડૂતો પાસેથી મગફળી, તુવેર, ચણા સહિતની તૈયાર જણસીઓ ટેકાના ભાવે ખરીદવાને બદલે બજારભાવ અને સરકાર દ્વારા નક્કી કરવામાં આવતા પોષણક્ષમ ભાવ વચ્ચેનો જે ડીફરન્સ રહેતો હોય તે ડીફરન્સની રકમ ખેડૂતોના ખાતામાં સીધી જ જમા કરાવી અને સરકાર ખેડૂતોની જણસીઓ માર્કેટીંગ યાર્ડના વેપારીઓ કમિશન એજન્ટો પાસેથી ખરીદી કરે છે.
જ્યારે ગુજરાતમાં સરકાર દ્વારા નિયત કરેલા કેન્દ્ર પરથી ટેકાના ભાવે પાક ઉત્પાદન ખરીદ કરવામાં આવે છે. જેને કારણે માર્કેટીંગ યાર્ડના કમીશન એજન્ટો અને વેપારીઓને કાંઇ મળતું નથી પરંતુ ટેકાના ભાવે ખરીદીમાં સરકારને 400 થી વધુ રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવે છે. તેને બદલે જો ખેડૂતો માર્કેટીંગ યાર્ડમાં જ વેપારીઓ પાસે સરકારે નક્કી કરેલા ટેકાના ભાવે પોતાની જણસીઓ વહેચે તો કમીશન એજન્ટો વેપારીઓને પણ લાભ થાય અને સાથે જ સરકાર વેપારીઓ પાસેથી ટેકાના ભાવે આ જણસીઓ ખરીદી ગણી ભાવફેરની રકમ ખેડૂતોના ખાતામાં જમા કરાવી દે તો યાર્ડો પણ જીવિત રહી શકે તેમ છે.
આવા સંજોગોમાં સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છના માર્કેટીંગ યાર્ડના કમીશન એજન્ટ અને વેપારીઓની એક બેઠક જન્માષ્ટમી બાદ બોલાવવામાં આવશે અને યાર્ડોને બચાવવા અને યાર્ડમાં કામ કરતા વેપારીઓ કમીશન એજન્ટોના ધંધા-રોજગાર ચાલુ રહી શકે તે માટે સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી બંધ કરવામાં આવે. અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ ભાવાંતર યોજના લાગુ કરવાની માંગ સાથે મુખ્યમંત્રી સહિતનાઓને પણ રજૂઆત કરવામાં આવશે તેવું રાજકોટ માર્કેટીંગ યાર્ડના કમીશન એજન્ટ એસો.ના પ્રમુખની યાદીમાં જણાવાયું છે.
વધુમાં વિગત આપતા એજન્ટ એસો.ના પ્રમુખ અતુલભાઇએ જણાવ્યું હતું કે ચાલુ વર્ષે સૌરાષ્ટ્રમાં 31 લાખ મેટ્રીક ટનથી વધારે મગફળીનું ઉત્પાદન થયું હતું. જ્યારે તેની સામે રાજ્ય સરકાર દ્વારા માત્ર 10 લાખ મેટ્રીક ટન મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી હતી. આવા સંજોગોમાં ર1 લાખથી વધુ મેટ્રીક ટન મગફળી ખેડૂતો પાસે પડી હતી અને આવા ખેડૂતોને નુકસાન ભોગવવાનો વારો આવ્યો હતો. જે ખેડૂતોની મગફળી ખરીદી કરવામાં આવી હતી તે પણ ખરીદ કેન્દ્ર એવા મંડળીના સંચાલકો, સગાવ્હાલાઓ કે રાજકીય ભલામણવાળા ખેડૂતોની જ મગફળી ખરીદી કરવામાં આવી હતી. જેને કારણે હજારો ખેડૂતોને પોતાની ઉત્પાદન કોસ્ટ કરતા નીચી કિંમતે મગફળી વેચી નુકસાન ભોગવવાનો વારો આવ્યો હતો.
આવામાં જો સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી, તુવેર, ચણા સહિતની જણસીઓની ખરીદી બંધ કરી જો ભાવાંતર યોજના લાગુ કરશે તો રાજ્યના ખેડૂતોને પણ પોતાની ઉપજોના પોષણક્ષમ ભાવો મળશે અને યાર્ડમાં કામ કરતા વેપારીઓ કમીશન એજન્ટોને પણ રોજગાર મળવાનું ચાલુ રહેશે. જેથી સત્વરે એ યોજના લાગુ કરવા સરકારમાં રજૂઆત કરવાનું અંતમાં જણાવ્યું હતું.